પોલીસ વેલ્ફેર ફંડમાં અપાતી ગ્રાન્ટમાં વધારો થયોઃ જાડેજા
અમદાવાદ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાની જાળવણી માટે ચોવીસે કલાક સતત અવિરત સેવા આપતા પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે સેવીને વર્ષ ૨૦૦૪થી જ પોલીસ જવાનો અને તેમના પરિવારજનોના સભ્યોની સ્વાસ્થ્યની ચકાસણી થાય તે માટે નિર્ણય લીધેલો છે.
વિધાનસભા ગૃહમાં પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલ્વે) – વડોદરા દ્વારા પોલીસ જવાનો અને તેઓના પરિવારની આરોગ્ય ચકાસણી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજ્યમંત્રી એ જણાવ્યું કે, પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલ્વે) – વડોદરા દ્વારા ૨૦૧૮માં ૩૩૮ અને ૨૦૧૯માં ૫૬૨ મળીને કુલ ૯૦૦ જેટલા સભ્યોની આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં ૭૩૭ પોલીસ જવાનો / અધિકારીઓ, ૮૪ બાળકો અને ૭૯ જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે.
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી આરોગ્ય ચકાસણી દરમ્યાન સભ્યોમાં કોઇ ગંભીર રોગ જણાયા નથી. પરંતુ ચકાસણી દરમ્યાન જો કોઇ ગંભીર રોગ જણાય તો કચેરીના વડા દ્વારા અંગત ધ્યાન રાખી તાત્કાલિક સારવાર માટે વેલ્ફેર ફંડમાંથી જરૂરિયાત મુજબ લોન આપવામાં આવે છે.
જેમાં પ્રથમ અને બીજા વર્ષ માટે ઝીરો ટકા અને ત્રીજા વર્ષ માટે પાંચ ટકાના દરથી લોન આપવામાં આવે છે, તથા ત્યારબાદ નિયમોનુસાર તબીબી ખર્ચનું રિએમ્બર્સમેન્ટ કરાવવા ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મા વાત્સલ્ય યોજના મુજબ પોલીસ જવાનો માટે મા કર્મયોગી યોજના અંતર્ગત લોક રક્ષક દળના જવાનો અને પરિવારના સભ્યોનો સમાવેશ કરી બિમારીના પ્રસંગે તબીબી સારવાર માટે આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અનુસાર રૂપિયા પાંચ લાખ સુધીની તબીબી સારવાર સહિતના લાભો આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.