પોલીસ સંભારણા દિવસ નિમિત્તે દસ દિવસનાં કાર્યક્રમનો આજથી પ્રારંભ
મેરેથોન દોડ, એથ્લેટીક સ્પર્ધાઓ, નિબંધ, સ્પર્ધા સહિતનાં કાર્યક્રમોનું આયોજન
(પ્રતિનિધિ)અમદાવાદ, દેશમાં દરવર્ષે ૨૧ ઓક્ટોબરનાં દિવસને પોલીસ સંભારણા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. જેનાં પગલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તા.૨૧થી ૨૧ ઓક્ટોબર સુધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બેન્ડ સ્પર્ધાથી રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે આજે થશે.
આ અંગે સેક્ટર-૧ એડીશનલ કમિશનર આર.વી.અંસારીએ જણાવ્યું હતું કે, દસ દિવસ દરમિયાન ચાલનારા આ પ્રોગ્રામમાં મેરેથોન દોડ, એથ્લેટીક સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત કોવિડ મહામારી દરમિયાન જે પોલીસ અધિકારી કે કર્મચારીનું મૃત્યુ થયું હશે તેમનાં પરીવારનું પણ સન્માન કરવામાં આવશે.
દસ દિવસનાં આ કાર્યક્રમની શરૂઆત ઈન્ટર સ્કુલ બેન્ડ કોમ્પીટીશનથી આજે સાંજે કરવામાં આવશે. ઈન્ટર બેન્ડ કોમ્પીટીશન રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭થી શરૂ કરવામાં આવી હતી. અને તેનું આયોજન જીલ્લા, ઝોનલ તથા રાજ્ય કક્ષાએ કરવામાં આવે છે. આ વર્ષે આ સ્પર્ધાનું આયોજન ગુજરાત પોલીસ કરશે. જેમાં ૧૮ ટીમનાં ૫૦૭ સ્પર્ધકો ભાગ લેશે.