પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦ મીટર દૂર યુવાનની હત્યા
રાજકોટ, રંગીલુ શહેર રાજકોટ ફરી એક વખત રક્તરંજિત થયું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં જાહેરમાં ૨૨ વર્ષના યુવાનની હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જાેકે, ચોંકાવનારી બાબત તે સામે આવી છે કે, આ બનાવ પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦ મીટર દૂર બન્યો હોવાનું મૃતકના ભાઇએ જણાવ્યું છે.
ત્યારે હત્યાની ઘટના સામે આવતા પોલીસે ગણતરીના કલાકોમાં બે પૈકી એક આરોપીને સકંજામાં લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેના કોઠારિયા રોડ પર બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં ક્ષત્રિય યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું બનાવ સામે આવ્યો છે.
હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરી પોતાનું તેમજ પોતાના પરિવારને આર્થિક ગુજરાન ચલાવનારા પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ પઢિયારની બે જેટલા સગીર દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે વાતચીતમાં મૃતક પરાક્રમસિંહના ભાઈએ જણાવ્યું હતું કે, મારો ભાઈ કારખાનેથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રણુજા મંદિર પાસે તે મેડિકલ પાસે પોતાનું બાઈક પાર્ક કરી રહ્યો હતો.
તે સમયે બાઈકનું હેન્ડલ જવા બાબતે બે જેટલા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન બે જેટલા શખ્સોએ ઉશ્કેરાઈ જતા તેમણે મારા ભાઈને છરીના તિક્ષણ ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.
જેના કારણે તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ આજીડેમ પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી બે પૈકી એક આરોપી ને પોતાના સકંજામાં લીધો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ બંને આરોપી સગીર હોવાનું જાણવા મળ્યું છે. બે પૈકી એક આરોપી હાલ બોર્ડની એક્ઝામ આપી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.SSS