Western Times News

Gujarati News

પોષણ અભિયાનના ત્રીજા દિવસે દેવગઢ બારીયામાં કાર્યક્રમ યોજાયો

દાહોદ : દાહોદ જિલ્લામાં પોષણ અભિયાનના ત્રીજા દિવસે દેવગઢ બારીયામાં યોજાયેલા કાર્યક્રમમાં અનુસુચીત જાતી કલ્યાણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી આર.બી. વસાવા સહભાગી બન્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને વિવિધ પ્રવૃતિઓ થકી કુપોષણ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત નાગરિકોએ દેશને સુપોષિત બનાવવા માટે સહભાગી બનવા શપથ લીધા હતા.

શ્રી આર.બી. વસાવાએ આ પ્રસંગે જણાવ્યું કે, બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે પોષણયુક્ત આહાર ખૂબ જરૂરી છે. તેને યોગ્ય સ્વચ્છ વાતાવરણ અને સારી ટેવો બાળપણથી જ વિકસાવી ખૂબ જરૂરી છે. બાળક અનુકરણ કરીને જ શીખતો હોય છે. ત્યારે બાળકના વાલી, કુંટુંબીજનો અને તેની સાથે જોડાયેલા લોકોથી તે પ્રભાવિત થાય છે. માટે આપણે પોતે સારો આહાર લેવો જોઇએ અને તમાકું, સીગરેટ જેવી કુટેવોથી દૂર રહેવું જોઇએ.

તેમણે જણાવ્યુ કે, કુપોષણને દૂર કરવા માટે રાજય સરકાર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આંગણવાડી કાર્યક્તા પોષણ ત્રિવેણી ઉપર ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી છે. પોષણ ત્રિવેણી તેમને આપવામાં આવેલી જવાબદારી યોગ્ય રીતે નિભાવે તે ખૂબ જરૂરી છે. એટલું જ જરૂરી છે કે વાલી બાળકોને નિયમિત આંગણવાડી મોકલે. જનભાગીદારી વિના કુપોષણ દૂર કરવું ખૂબ અશ્કય છે. આ તબક્કે પાલક વાલીઓ દ્વારા કુપોષિત બાળકની જવાબદારી ઉઠાવવામાં આવી છે તે અભિનંદનને પાત્ર છે.

શ્રી વસાવાએ દેવગઢ બારીયાની આંગણવાડીની મુલાકાત લઇ આંગણવાડીની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. તેમણે કેટલાંક બાળકોના વજન કરીને રજીસ્ટરમાં કરવામાં આવેલી નોંધો પણ તપાસી હતી. બાળકોને શું શું શીખવવામાં આવે છે તેની જાતતપાસ કરી હતી. આંગણવાડીમાં પાણી, શૌચાલયની સગવડની પણ તેમણે માહિતી મેળવી હતી.

ત્યાર બાદ મહાનુભાવો દ્વારા વાનગી નિદર્શન સ્ટોલની પણ મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમમાં પોષણ બાબતે બાળકો દ્વારા સુંદર પોષણ અદાલત નાટિકા ભજવવામાં આવી હતી. પોષણ બાબતે વાલીની બેદરકારી, સામાજિક માન્યતાઓ, સગર્ભાવસ્થા દરમ્યાન રાખવાનું ધ્યાન વગેરે બાબતે બાળકોએ અભિનય દ્વારા લોકોને સમજ આપી હતી. મહાનુભાવો દ્વારા રાધે ગોવિંદ પ્રાથમિક શાળાના બાળકોને આ નાટિકા માટે ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા બાળકોને અન્નપ્રાસન વિધી કરવામાં આવી હતી. આ ઉપરાંત વાનગી હરીફાઇ અને બાળતંન્દુરસ્તી હરીફાઇના વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે તાલુકાના પાલક વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં નાગરિકો પોષણ આરતીમાં સહભાગી બન્યા હતા અને રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી બે દસ્તાવેજી ફિલ્મોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા સહિતના પદાધિકારીઓ ઉપરાંત આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી એન.વી.રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પરમાર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.