પોષી પૂનમ : અંબાજીમાં સાદગીપૂર્વક ઉજવણી થઇ
અમદાવાદ: પોષી પૂનમનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. કરોડો ભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી મુકામે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જાેકે, કોરોનાકાળમાં પ્રાગ્ટ્ય મહોત્સવની સાદગીપૂર્વક ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ આનંદ પટેલે હાજર રહી યજ્ઞમાં પૂજાવિધિ કરી મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો.
આ મહાશક્તિ યજ્ઞમાં ૪૨ દંપતીઓ જાેડાયા હતા. નોંધનીય છે કે, દર વર્ષે પોષી પૂનમની માતાજીના પ્રાગટય દિવસ તરીકે આનંદ, ઉત્સવ સાથે ભક્તિભર્યા માહોલમાં શાનદાર ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી સંદર્ભે સાદગીથી ઉજવણી કરી ધાર્મિક પરંપરા નિભાવવામાં આવી હતી. અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને ટ્રસ્ટ દ્વારા ગબ્બર અખંડ જ્યોતથી જ્યોતના અંશ લાવી અંબાજી મંદિર સવારે- ૧૧.૧૫ વાગે જ્યોત મિલાવી હતી.
માતાજીના પ્રાગટય મહોત્સવમાં સહભાગી બનવા યાત્રિકો સવારથી જ અંબાજીમાં ઉમટવા લાગ્યા હતાં. સમગ્ર દિવસ દરમ્યાન મંદિર સંકુલમાં મહાશક્તિ યજ્ઞના મંત્રોચ્ચાર તથા ભક્તોના જયઘોષથી વાતાવરણ ગુંજતુ હતું. કોરોના મહામારીમાંથી માનવ જાતને મુક્તિ મળે અને સૌનું કલ્યાણ થાય તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે સવિતા ગોવિંદ ટ્રસ્ટ દ્વારા ઇર્ં વોટર પ્લાન્ટ અંબાજી ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યો હતો. પોષી પૂનમ પ્રસંગે ગાંધીનગરના પૂર્વિનભાઈ પટેલે ભક્તિભાવપૂર્વક ૧૨૫ ગ્રામ સોનાના દાગીના માતાજીને અર્પણ કર્યા હતાં. જ્યારે અન્ય એક દાતા મૌલિકભાઈ દ્વારા અંબાજી મંદિરમાં સફાઈ કામગીરી કરતી બહેનો માટે અને જરૂરીયાતમંદ લોકોના બાળકો માટે ૫૦૦ જેટલી શૈક્ષણીક કિટ્સનું કલેકટરના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.