પોસ્ટના દરજી કર્મીઓનો અનોખો સેવા યજ્ઞ: નવરાશના સમયમાં બનાવે છે માસ્ક

(તસવીર બકોર પટેલ મોડાસા) સાકરિયા, સમગ્ર વિશ્વમાં કોરોના કહેર વચ્ચે ચાલતા સેવાયજ્ઞો ગરીબ-જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. ત્યારે આરોગ્ય-પોલીસ સિવાયના નાના-કર્મચારીઓ પોતાનું યોગદાન આપી કોરોના સામેના જંગમાં યોગદાન આપી રાષ્ટ્રસેવામાં જોડાયા છે. વાત છે અરવલ્લી- સાબરકાંઠા જિલ્લાના પોસ્ટના દરજી કર્મચારીઓની કે જેઓ દિવસ દરમિયાન પોસ્ટમાં પોતાની ફરજ તો સુપેરે નિભાવે તેની સાથે ઓફિસથી છુટ્યા બાદ ઘરે જઇ ને માસ્ક નિર્માણના કાર્યમાં લાગી જાય છે.
પોસ્ટમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા મેઘરજના સુરેશભાઇ દરજી કે જેઓ તેમના પરીવાર અને વયોવૃધ્ધ પિતાજીની સાથે માસ્ક બનાવવાનું કામમાં લાગી જાય છે. તો એવા જ હિંમતનગરના શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા અને પોસ્ટ કલાર્ક પ્રવિણભાઇ દરજી, પ્રાંતિજના રોનકભાઇ દરજી તેમજ ઇલોલના ઇર્શાદ વિજાપુરા ન માત્ર સરકારી ફરજ બજાવીને મુક્ત બની જાય છે પરંતુ તેની સાથે ઘરે જઇ ને કોરોના સંક્રમણને અટકાવવા ખાસ સહાયરૂપ થતાં માસ્ક બનાવવા સેવાયજ્ઞમાં જોડાઇ જાય છે.
આ અંગે વાત કરતા સાબરકાંઠા-અરવલ્લી પોસ્ટ ડિવીઝનના સુપ્રિટેન્ડન્ટ સંજીવકુમાર વર્મા જણાવે છે કે, કોરોનાની મહામારીમાં દરેક ક્ષેત્રના લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે અરવલ્લી-સાબરકાંઠા ૧૧૩૦ પોસ્ટ વિભાગના કર્મીઓ દ્વારા દવાઓ પંહોચાડવાની કે, વિધવા બહેનોને પેન્શન અને બેંક ખાતાધારકોને ઘરે બેઠા નાંણા પંહોચાડવાનું કાર્ય કરી રહ્યા છે .
પરંતુ એનાથી વિશેષ વાત એ છે કે ડિવીઝના કર્મચારીઓ દ્વાર સ્વૈચ્છિક રીતે નાણાનો ફાળો આપે છે અને તેના થકી એકત્ર થયેલા પૈસામાંથી માસ્ક બનાવવા માટે કાપડ ખરીદી કરવામાં આવે છે. પોસ્ટ પરીવારના કર્મચારી અને તેમના સ્વજનો જે પરંપરાગત દરજી કામ કરે છે તે વિનામૂલ્યે માસ્ક બનાવી આપે છે. અરવલ્લી-સાંકા જિલ્લામાં આ દરજી પરીવારો દ્વારા ૨૬૦૦થી વધુ માસ્ક તૈયાર કર્યા છે જે પોસ્ટમાં માસ્ક વગર આવતા લોકો તેમજ જરૂરીયાતમંદ લોકોને મફત માસ્ક આપીને કોરોના સામેના આ જંગમાં શ્રમદાન કરવા જોડાયા છે.