પોસ્ટમાં ગુમ ડીગ્રી સર્ટિ. મુદ્દે યુનિવર્સિટી હાથ અદ્ધર કરી દે છે, છાત્રો પરેશાન
ગુજરાત યુનિ. પોસ્ટથી ડીગ્રી છાત્રોના ઘરે મોકલે છે-વિધ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા ડીગ્રી મોકલાયા બાદ તે ન મળે તો કોઈ જ જવાબદારી તંત્ર લેતું નથી,
અમદાવાદ, ગુજરાત યુનિ. દ્વારા દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને પોસ્ટ મારફતે ડિગ્રી સર્ટિફિકેટ ઘરે મોકલવામાં આવે છે. જાે વિદ્યાર્થીઓને ઘરે આ ડિગ્રી સર્ટિફિકેટ ન મળે તો યુનિ.માં પરત આવતુ હોય છે પરંતુ અનેક કિસ્સામાં સર્ટિફિકેટ પરત પણ આવતુ નથી અને ઘરે પણ પહોંચતુ નથી.
આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ પોતાના ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે ધક્કા ખાવા પડે છે. આશ્ચર્યની વાત એ કે યુનિ. કે પોસ્ટ ઓફિસ પૈકી કોઇપણ સંસ્થા આ માટે જવાબદારી સ્વીકારવા પણ તૈયાર થતી નથી. યુનિ.માં દરવર્ષે બે વખત પદવીદાન સમારંભ યોજવામાં આવે છે.
આ સમારંભમાં રૂબરૂમાં હાજર રહેનારા વિદ્યાર્થીઓને હાથોહાથ ડિગ્રી એનાયત કરી દેવામાં આવે છે પરંતુ જે વિદ્યાર્થીઓ હાજર ન રહે તેમના ઘરના સરનામે પોસ્ટ દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ મોકલી આપવામાં આવે છે. તાજેતરમાં મહેસાણાના સમોઉના એક વિદ્યાર્થીએ એમ.કોમ.નુ ડિગ્રી સર્ટિફિકેટ માટે અરજી કરી હતી.
આ વિદ્યાર્થીને યુનિ. દ્વારા પોસ્ટમાં ડિગ્રી સર્ટિફિકેટ મોકલી આપવામાં આવ્યું હતું. બે માસ થવા છતાં સર્ટિફિકેટ ન મળતાં વિદ્યાર્થીએ યુનિ.માં તપાસ કરતાં સર્ટિફિકેટ મોકલી દીધું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓ અમદાવાદની પોસ્ટ ઓફિસ અને ત્યારબાદ પોતાના વતનની પોસ્ટ ઓફિસમાં પણ તપાસ કરી જેમાં તેના ગામ સુધી ડિગ્રી સર્ટિફિકેટ પહોંચ્યુ હતું પરંતુ ઘર સુધી પહોંચ્યુ નથી.
આ વિદ્યાર્થીએ યુનિ.માં ફરિયાદ કરતાં એવો જવાબ મળ્યો હતો કે ડિગ્રી સર્ટિફિકેટ મોકલી આપ્યા પછી અમારી કોઇ જવાબદારી નથી, જાે પરત આવે તો અમારી પાસે રાખીએ છીએ પણ તમારુ સર્ટિફિકેટ પરત આવ્યુ નહોવાથી હવે અમે કશું ન કરી શકીએ. છેલ્લા ત્રણ માસથી આ વિદ્યાર્થી યુનિ. અને પોસ્ટ ઓફિસ વચ્ચે ધક્કા ખાઇ રહ્યો છે.
પરંતુ ડિગ્રી સર્ટિફિકેટ ક્યાં ગયુ તેની કોઇ જાણ મળતી નથી. આખરે હવે આ વિદ્યાર્થીએ ગાંધીનગર મુખ્ય પોસ્ટ ઓફિસને પત્ર લખીને રજૂઆત કરી છે કે મારુ ડિગ્રી સર્ટિફિકેટ ક્યાં ગયું તે મને શોધી આપવામાં આવે અન્યથા હું કાયદાનો આશરો લઇશ. યુનિ.એ મોકલેલુ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને ન પહોંચે તો સામાન્ય રીતે યુનિ.માં પરત આવતુ હોય છે પરંતુ વર્ષે એવા અનેક કિસ્સા બને છે કે જેમાં સર્ટિફિકેટ પરત પણ આવતુ નથી અને વિદ્યાર્થીઓને મળતુ પણ નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ શું કરવુ તે મુદ્દે કોઇ સ્પષ્ટતા ન હોવાથી અનેક વિદ્યાર્થીઓએ પરેશાની ભોગવવી પડે છે. SS