પોસ્ટલ બેલેટ સામે ધાનાણીની અરજી સુપ્રીમ કોર્ટે દાખલ કરી
ચૂંટણી પંચને નોટીસ અપાઈઃ યોગ્ય ગેઝેટ જાહેરનામા વગર ચૂંટણી પંચ પોસ્ટલ બેલેટને માન્ય રાખી શકે નહીં
ગાંધીનગર, ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી ફરી એક વખત કાનૂની જંગ ભણી આગળ વધી રહી હોવાના સંકેત છે. કોંગ્રેસના અગ્રણી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતદાનના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી રીટ ગઇકાલે પ્રાથમિક તબક્કે અરજી નકાર્યા બાદ સુપ્રિમ કોર્ટે હવે તેના પર વિચારણા કરવા નિર્ણય લીધો છે.
અને આ અંગે ચૂંટણી પંચને તેનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. તથા પંચ આગામી સમયમાં તે જવાબ રજૂ કરશે તે પછી સુપ્રિમ કોર્ટ તેના પર સુનાવણી હાથ ધરશે. ગઇકાલે એક તબક્કે સુપ્રિમ કોર્ટે ધાનાણીની અરજી ફગાવી હતી. પરંતુ બાદમાં સાંજે પાંચ વાગ્યે ફરી એક વખત ધાનાણીના ધારાશાસ્ત્રી દ્વારા ચૂંટણીની સ્વતંત્રતા જળવાઈ રહે તથા કોઇપણ રાજકીય બંધન વગર તમામ ઉમેદવારોને એકસમાન તક મળી રહે તે માટે આ અરજી પર વિચારણા જરુરી હોવાનું જણાવતા સર્વોચ્ચ અદાલતે તેના પર વિચારણા કરવાનો નિર્ણય લીધો છે અને ચૂંટણી પંચને તેનો જવાબ રજૂ કરવા સૂચના આપી છે.
પંચે તા. ૧૭ જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પેપરને સુવિધાને માન્ય રાખી છે. જેની સામે દલીલ થઇ છે કે ચૂંટણી પ્રક્રિયા-૧૯૬૧ના નિયમ મુજબ કોઇપણ ઉમેદવારને કલમ-૬૨ (૨) હેઠળ ગેઝેડ નોટીફીકેશન વગર આ પ્રકારે પોસ્ટલ બેલેટથી મળેલા મતો માન્ય રહી શકે નહીં અને તેના આધારે ઉમેદવાર જીતી શકે નહીં. આ ઉપરાંત એ પણ ટાંકવામાં આવ્યું છે કે ચૂંટણી પંચનું નોટીફીકેશન કલમ ૩૯ એએ મુજબ ગેરકાનૂની અને નિયમનો ભંગ કરનાર છે. ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં કોઇપણ મત અપાયા બાદ તેના ઓથોરાઈઝડ એજન્ટને વેરીફાઈ કરવાનો અધિકાર છે. ચૂંટણી પંચે જે જાહેરનામું બહાર પાડ્યું છે તે પૂર્ણ રીતે ગેરકાયદેસર છે.