પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ જ ગ્રાહકોના ખાતામાંથી ૮ લાખની ઉચાપત કરી

પ્રતિકાત્મક
પાદરા પોલીસ સ્ટેશનમાં પોસ્ટના બે નિવૃત્ત અને એક સસ્પેન્શન હેઠળના કર્મચારીની સામે ફરિયાદ
વડોદરા, વડોદરા તાલુકાના ભાયલી પોસ્ટ ઓફિસમાં માસિક બચત યોજનાના રૂપિયા ૭.૯૯ લાખની ઉચાપત કરી હોવાનું બહાર આવતા પોસ્ટ ઓફિસના બે નિવૃત્ત કર્મચારી અને ફતેગંજ પોસ્ટ ઓફિસના એક સસ્પેન્ડ કરાયેલા એમ ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પોલીસે આ છેતરપિંડી કેસમાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જયારે એક કર્મચારી ફરાર છે જેની શોધખોળ પોલીસ કરી રહી છે.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પાદરાના પાતળિયા હનુમાન રોડ પર આવેલા સંતરામપુરમાં અને પાદરા પોસ્ટ ઓફિસમાં ઈન્સ્પેકટર ઓફ પોસ્ટ ઓફિસિસ તરીકે ફરજ બજાવતા નીતિન બાબુ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાયલી સબ-પોસ્ટ ઓફિસમાં વર્ષ ર૦૧૬થી ર૦૧૮ દરમિયાન આરોપી અશોક મણીભાઈ પટેલ (રહે. ભાયલી અને હાલ પોસ્ટલ આસિસ્ટન્ટ, રેસકોર્સ સબ-ઓફીસ) ફરજ મુકત છે.
તેઓ ભાયલી સબ-પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા જયારે બકુલ ભાઈલાલ સોલંકી તત્કાલીન સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ પર હતા અને હસમુખ બારીયા જેઓ તત્કાલીન રેસકોર્ષ સબ ઓફીસમાં કાર્યરત હતા તેમના કાર્યકાળ દરમિયાન ભાયલી સબ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા અગાઉ બંધ કરાવેલ
માસિક આવક યોજનાના ખાતામાં પોસ્ટ માસ્ટરના અનુક્રમ ખાતાના સેન્દ્રી એકાઉન્ટમાં તકનિકી કારણોસર વ્યાજની રકમ રૂપિયા ૭,પર,૭ર૦ અને ૪૬,૬૦૦ એમ કુલ મળીને રૂપિયા ૭,૯૯,૩ર૦ની રકમ પડી હતી તેની જાણકારી આ ત્રણેવ આરોપીઓને હતી
જેથી તેનો ગેરલાભ ઉઠાીને ત્રણેય આરોપીઓએ ગ્રાહકોના નામના ઉપાડ ડિમેટ સાથે એસબી ૭ ફોર્મ ભરીને ખાતા ધારકોના નામની બોગસ સહીઓ કરીને બકુલ સોલંકીનું ટેકનીકલ સોફટવેરના યુઝર તેમજ અશોક પટેલના યુઝરનો ઉપયોગ કરીને અલગ અલગ તારીખોએ જુદી જુદી રીતે ઓનલાઈન સિસ્ટમ વડે ભાયલી પોસ્ટ ઓફિસમાંથી કુલ રૂપિયા ૭,૯૯,૩ર૦ ઉપાડી લઈ કૌભાંડ આચર્યું હતું
અને આ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું ઓડિટમાં બહાર આવતા આ ત્રણેવ આરોપીઓ સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરીને આરોપી ત્રિપુટી પૈકી હસમુખ બારીયા અને બકુલ સોલંકીની પોલીસે અટકાયત કરી છે. જયારે અશોક પટેલ ફરાર થઈ ગયો હોઈ તેની પોલીસે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.