પોસ્ટ કોવિડ દર્દીઓની શારિરીક સ્વાસ્થ્ય જાળવણી કરવા સુવિધા શરૂ કરાઇ
આગોતરી પહેલ: અમદાવાદ શહેરની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં “પોસ્ટ કોવિડ કેર વોર્ડ”નો શુભારંભ
૨૦૦ દર્દીઓને પોસ્ટ કોવિડ વોર્ડમાં સારવાર આપવાની ક્ષમતા ધરાવતો વોર્ડ કારગર સાબિત થશે
covidcare.dhanvantarihospital.in અથવા bit.ly/dhcovidcareપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
ડી.આર.ડી.ઓના સીનિયર અધિકારીઓ, જવાનો, કોરોના યોધ્ધાઓએ મીડિયા સાથે સંવાદ સાધ્યો : ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં સ્વકામગીરીના અનુભવ વર્ણવ્યા
અમદાવાદ શહેરમાં ડી.આર.ડી.ઓ (ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન) અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ધન્વતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે.
રાજ્યભરમાં કોવિડ હોસ્પિટલની લગોલત પોસ્ટ કોવિડ કેર વોર્ડ શરૂ કરાયો હોય તેવી આ પહેલી ધટના છે. ધન્વતરી કોવિડ હોસ્પિટલ કંપાઉન્ડમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સારસંભાળ રાખવા પોસ્ટ કોવિડ કેર વોર્ડનો શુભારંભ કરાવવામાં આવ્યો છે.
૨૦૦ બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડ઼માં દર્દીની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય સ્થિતિ પર વધુ ધ્યાન રાખવામાં આવશે તેમ ધન્વતરી કોવિડ હોસ્પિટલમા મેડિકલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. જયદીપ ગઢવીએ જણાવ્યુ હતુ.
કોરોના થી સાજા થઇ ગયેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવી, શારિરીક નબળાઇ અનુભવવી, મનૌસ્થિતિ સારી ન હોવી આ તમામ પ્રકારની સારવારનો સમાવેશ આ વોર્ડમાં કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
ધન્વતરી કોવિડ હોસ્પિટલના પોસ્ટ કોવિડ વોર્ડમાં એડમિશન વિશે હોસ્પિટલના એડીશનલ મેડિકલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. બિમલ મોદીએ કહ્યું કે, પોસ્ટ કોવિડ કેરની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આંગળીના ટેરવે રજીસ્ટ્રેશન ઉપલબ્ધ થાય તે માટે “ક્યુ.આર. કોડ” સ્કેન કરીને અથવા વેબસાઇટ પર મોબાઇલ થી જ રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
જે દર્દીઓને ફક્ત ઓ.પી.ડી.ની સારવારની જરૂર હોય તેવા દર્દીઓ ફોલોઅપ માટે પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે પોસ્ટ કોવિડ દર્દીઓને ઘરે ઓક્સિજન કન્સનટ્રેટરની વ્યવસ્થા ન હોય અથવા ૫ થી ૧૦ લીટર ઓક્સિજન ક્ષમતા પર સારવારની જરૂર હોય તેવા પ્રકારના દર્દીઓ આ ક્યુઆર કોડ પર રજીસ્ટ્રેશન કરાવીને દાખલ થઇ શકશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
પોસ્ટ કોવિડ વોર્ડમાં આવતા દર્દીઓને ડાયટ મેનેજમેન્ટ, ફીઝીયોથેરાપી કસરતો, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર આપીને સંપૂર્ણપણે રીકવરી આવે અને જીવનશૈલી પૂર્વવત બને તે માટેની સારવાર પધ્ધતિ હાથ ધરવામાં આવશે. ધન્વતરી પોસ્ટ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે covidcare.dhanvantarihospital.in અથવા bit.ly/dhcovidcareપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ડી.આર.ડી.ઓ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે શરૂ કરવામાં આવેલી ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી કાર્યરત ડી.આર.ડી.ઓ.ના તબીબો અને એડીમીનીસ્ટ્રેટીવ સ્ટાફ દ્વારા મીડિયા સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો.
ડી.આર.ડી.ઓ. કોવિડ હોસ્પિટલના નોડલ કર્નલ અરવિંદે કહ્યું કે, સમગ્ર દેશમાં આવી પડેલી મહામારીમાં દેશની ત્રણેય સંરક્ષણ પાંખોના તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કદમ થી કદમ મીલાવીને રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરી રહ્યા છે. સીવિલ સ્ટાફ સાથે તેમને સહકાર કરીને મદદરૂપ બનવાના શુભ આશયથી દેશના મુખ્ય પાંચ શહેરોમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાંની અમદાવાદમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ સૌથી મોટી છે.
કોરોનાની બીજી લહેર ઘણી ધાતક સાબિત થયેલ હોવાથી માનવજીવની રક્ષા કાજે દેશના સંરક્ષણની ત્રણેય પાંખોના જવાનો,રક્ષા દળના તબીબો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં કાર્યરત થઇ કોરોના સામેની જંગમાં સહભાગી બનીને સમગ્ર સ્થિતિ નિયંત્રણ કરવા મદદરૂપ બની રહ્યા છે.
ભારતીય નૌકાદળના કેપ્ટન દોરાઇ બાબુએ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં તહેનાત તબીબોની ટૂકડીએ રાજ્યના તબીબી વહવટી તંત્ર સાથે કામ કરીને , મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને મદદ રૂપ બની કોરોનાની સમગ્ર સ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં મહદઅંશે સફળતા મળી છે જેનો અમને આનંદ છે.
નૌકા દળના કેપ્ટન મોહંતી એ કહ્યું કે, ખૂબ જ ટૂંકા ગાળામાં યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને તમામ પ્રકારની શ્રેષ્ઠ સારવાર આપીને ગમે તે ભોગે તેમના જીવ બચાવવાના અમારા પ્રયત્નો રહ્યા છે. જેમાં અમને જવલંત સફળતા મળી છે. ગુજરાત સરકાર અને ડી.આર.ડી.ઓ.ના સંયુક્ત પ્રયાસે કાર્યરત થયેલી ધન્વતરી હોસ્પિટલ તંત્ર સાથે દર્દીઓની સારવાર પ્રોટોકોલમાં સમયાંતરે ચર્ચા- વિમર્શ કરીને ત્વરીત અને સધન સારવાર મળી રહે તે માટે સમગ્ર સ્ટાફ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે.
તેઓએ વિશેષમાં આઇ.સી.યુ. મેનેજમેન્ટ વિશે જણાંવ્યું કે, વેન્ટીલેટરમાં NIV (નોન ઇનવેઝીવ વેન્ટીલેટર) અને ઇનવેઝીવ પ્રકારના વેન્ટીલેટરની સારવાર આપવામાં આવે છે. ઇનવેઝીવ વેન્ટીલેટર પર દર્દી પહોંચે ત્યારે તેને ઇન્ટુબીટ કરવામાં આવે છે. જેમાં દર્દીના જીવ બચવાની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે જે કારણોસર મહત્તમ દર્દીઓને NIV (નોન-ઇનવેઝીવ) વેન્ટીલેટર પર સારવાર મળી રહે તે માટેના સધન પ્રયાસો તબીબો દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા જે કારણોસર મહત્તમ દર્દીઓના જીવ બચાવવામાં અમે સફળ રહ્યા છીએ.
ડી.આર.ડી.ઓ. હોસ્પિટલમાં કાર્યરત એસ.એસ.બી (સશસ્ત્ર. સીમા.બળ) ના ડૉ.રૈના એ કહ્યું કે,પેરામિલિટરી ફોર્સના વિવિધ પાંખો SSB(સશસ્ત્ર સીમા બળ), BSF(બોર્ડર સીક્યુરીટી ફોર્સ), CRPF(સેન્ટ્ર્લ રીસર્વ પોલીસ ફોર્સ) અને IGBT(ઇન્ડો-ટીબેડિટયન બોર્ડર પોલીસ ફોર્સ) ની વિવિધ યુનિટના તબીબોએ અમદાવાદની ધન્વતરી હોસ્પિટલમાં દર્દીઓની સેવા-શુ્શ્રુષા કરી છે. કોરોનાની બીજી લહેરમાથી જલ્દી બહાર આવી જઇએ અને કોરોના મહામારીનો અંત આવે તેવી આશા ડૉ.રૈનાએ વ્યક્ત કરી હતી.