પોસ્ટ મોર્ટમ રૂમ ખાતેના કોલ્ડ સ્ટોરેજમાં કુલિંગ નહીં આવતા પાંચ મૃતદેહો ડીકમ્પોઝ થતા તીવ્ર દુર્ગંધ મારતા હાલાકી.
બિનવારસી મૃતદેહોને અવ્વલ મંઝીલે પહોંચાડવા આવેલા ધર્મેશ સોલંકીએ કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા મૃતદેહ ડીકમ્પોઝ થવાના કારણે દુર્ગંધ મારતા રોષ વ્યક્ત કર્યો.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ સિવિલ હોસ્પિટલ હરહંમેશા કોઈક ને કોઈક કારણોસર વિવાદમાં આવી રહી છે.ત્યારે ઉનાળાની કાળઝાળ ૪૩ ડિગ્રીના તાપમાન વચ્ચે કોલ્ડ સ્ટોરેજ ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થતા કુલિંગ ન આવતા તેમાં રહેલા પાંચ મૃતદેહો ડીકમ્પોઝ થઈ જવા સાથે અત્યંત દુર્ગંધ મારતા મૃતદેહોને અવ્વલ મંઝીલે લઈ જતા ધર્મેશ સોલંકી મૃતદેહો અત્યંત દુર્ગંધ મારતા હોય અને શહેરના ભરચક વિસ્તાર માંથી આવા મૃતદેહોને સ્મશાન ખાતે લઈ જવામાં આવતા મૃતદેહો દુર્ગંધ મારતા લોકોને હાલાકી પડતી હોવાના કારણે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ માં પાંચ જેટલા બિનવારસી મૃતદેહો પોસ્ટ મોર્ટમ કરી મુકવામાં આવ્યા હતા અને મૃતદેહો બિનવારસી હોવાના કારણે તેના વાલી વારસોની શોધખોળ માટે પોલીસ કાર્યવાહી કરી રહી હતી.પરંતુ મૃતદેહોના વાલી વારસો ન મળી આવતા બિનવારસી મૃત્યદેહોનાં અંતિમ સંસ્કાર માટે પોલીસે શાંતિવન સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓએ સોમવારની સવારે બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ માં રહેલા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર અર્થે મૃતદેહ લેવા આવ્યા હતા.પરંતુ કોલ્ડ સ્ટોરેજ બંધ હોય મૃતદેહો માંથી તીવ્ર દુર્ગંધ આવતી હોય
અને મૃતદેહો ડીકમ્પોઝ હાલતમાં હોય પોસ્ટ મોર્ટમ કરેલા મૃતકના સ્ટીચ પણ ખુલી જવાના કારણે મૃતદેહો માંથી દુર્ગંધ આવતા ભરૂચ શહેરના સતત ધમધમતા અને જાહેરમાર્ગ ઉપર થી શાંતિવન સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર અર્થે લઈ જવા મેઈ ભારે મુશ્કેલીઓ સાથે શાંતિવન સ્મશાનમાં અન્ય મૃતકોના અંતિમ સંસ્કાર અર્થે આવતા સ્વજનો પણ બિનવારસી મૃતદેહોના દુર્ગંધ થી ભારે હેરાનગતિનો સામનો કરતા હોય છે.
ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા વાળું કોલ્ડ સ્ટોરેજ મુકવામાં આવે અને હવે પછી બિનવારસી મૃતદેહો ડીકમ્પોઝ અવસ્થામાં થશે તો મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે નહિ લઈ જવામાં આવે તેવી ચીમકી મૃતદેહોને અવ્વ્લ મંઝિલે પહોંચાડનાર ધર્મેશ સોલંકીએ ઉચ્ચારી હતી.
કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાના મુદ્દે સિવિલ હોસ્પિટલના મેડિકલ એડમિસ્ટ્રેટર ડૉ.ગોપિકા મેખીયા એ જણાવ્યું હતું કે ભરૂચ સિવિલ હોસ્પિટલનો કોલ્ડ સ્ટોરેજ ટેક્નિકલ ખામીના કારણે મોડી રાત્રીએ બંધ થયો હોવાનું અમારી તપાસ માં બહાર આવ્યું છે અને અમને જાણ થતા જ તાત્કાલિક કોલ્ડ સ્ટોરેજ ચાલુ કરવાની કામગીરી શરુ કરાવી દીધી છે અને કોલ્ડ સ્ટોરેજ કાર્યરત થઈ જશે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાનગી હાથમાં સોંપવામાં આવ્યા બાદ વિવાદ સર્જાતા રહે છે ત્યારે મોતનો મલાજો જળવાય તે માટે સત્તાધીશો એ આવી લાપરવાહીઓ અટકાવવી જોઈએ.જેથી કરી ઉનાળાની કાળઝાળ ગરમી ના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થાય તો ડેડબોડી માંથી આવતી તીવ્ર દુર્ગંધ ન મારે.