પ્રગટેશ્વરધામ આછવણી દ્વારા ભાઇબીજના પાવન પર્વે ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે યમયજ્ઞ કરાયો
વલસાડઃ પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, આછવણીના આદ્યસ્થાપક ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે ભાઇબીજના પાવન પર્વે યમયજ્ઞનું આયોજન કરાયું હતું. યજ્ઞના આચાર્ય કશ્યપભાઇ જાનીના માર્ગદર્શનમાં યોજાયેલા આ યજ્ઞમાં અનેક શિવભક્તોએ ઉત્સાહભેર ભક્તિભાવના સાથે ભાગ લીધો હતો. આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ભાઇ-બહેનના હેતરૂપી ભાઇબીજના તહેવારને યમબીજ તરીકે પણ ઓળખાય છે.
આ અવસરે યમરાજાની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાય તે હેતુસર તાપી નદીના કિનારે ગલતેશ્વર મહાદેવ મંદિર જેવા પવિત્ર સ્થળે યમયજ્ઞ કરવામાં આવ્યો છે. પિતૃકૃપા અને ભૂદેવોનું માર્ગદર્શન હોય તો જ આ પ્રકારના સત્કર્મો કરી શકાય છે અને તેમાં ભાગ લઇ શકાય છે. પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે સમર્પણની ભાવના હોય તો આપણું કર્મ અવશ્ય ફળીભૂત થાય છે. સત્કર્મ કયારેય નિષ્ફળ જતું નથી, જીવનમાં તે કોઇને કોઇ રૂપે આશીર્વાદ બને છે.
ગલતેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ કાર્યમાં સહયોગ આપનાર દાતા અશોકભાઇના સેવા કાર્યોને બિરદાવ્યા હતા. આગામી તા. ૧૦મી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ દ્વારકાધીશ મંદિર, દેવભૂમિ દ્વારકા ખાતે વિશ્વકલ્યાણ અર્થે યોજાનાર ૧૦૮ કુંડી મહા વિષ્ણુયજ્ઞમાં ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ મેળવવા સૌને આમંત્રણ પાઠવ્યું હતું.
અશોકભાઇએ આગામી તા.૧૦મી ડિસેમ્બરે દ્વારકાધીશના પ્રાંગણમાં થનારા યજ્ઞ માટે સવા બે લાખનું દાન આપ્યું હતું. આજના યજ્ઞ અવસરે ઉપસ્થિત સર્વે ભક્તજનો માટે ભોજન વ્યવસ્થા પણ અશોકભાઇ દ્વારા કરવામાં આવી હતી.
આ યજ્ઞ અવસરે પ્રગટ પ્રગટેશ્વરધામ આછવણીના પ્રમુખ બિપીનભાઇ પરમાર, શિવપરિવારના સભ્યો મયંકભાઇ બ્રહ્મભટ્ટ, જિજ્ઞેશભાઇ (અપ્પુભાઇ), હેમંતભાઇ, મયુરભાઇ, સુમીતભાઇ, કૃપાશંકર જાદવ, પ્રવિણભાઇ મિસ્ત્રી, અમિતભાઇ પટેલ, પ્રિતમ પટેલ, સહિત શિવભક્તો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.