પ્રજાજનોને એપ્રિલ ૨૦૨૧માં વેક્સિન મળી શકે છે: પૂનાવાલા
દરેક ભારતીયને રસી આપવામાં વિતરણ વ્યવસ્થાના લીધે ત્રણ વર્ષનો સમય લાગી જશે, સામાન્ય લોકોએ રસીના ૫૦૦થી ૬૦૦ રૂપિયા ચૂકવવા પડશે
નવી દિલ્હી, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ‘કોવિશિલ્ડ’ ને ઇમરજન્સી એપ્રુવલ માટે અરજી કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપની ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધો પર લિમિટેડ યૂઝ માટે ભારતના ડ્રગ રેગ્યુલેટરને એપ્લિકેશન આપશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના સીઈઓ આદર પૂનાવાલાએ મીડિયા સમિટમાં આ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ રસી માર્ચ-એપ્રિલ ૨૦૨૧ સુધીમાં સામાન્ય લોકો સુધી પહોંચી શકે છે. ખાનગી બજારમાં આ રસીની કિંમત ૫૦૦થી ૬૦૦ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ રસી ૨ ડિગ્રીથી ૮ ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરી શકાય છે, જે તેને ભારત માટે એક ઉત્તમ કેન્ડિડેટ બનાવે છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઇઓ અનુસાર તેઓ યુનાઇટેડ કિંગડમની આ રસીના સકારાત્મક પરિણામોના આધારે ઇમરજન્સી એપ્રુવલની અપેક્ષા રાખી રહ્યા છે. પૂનાવાલાએ કહ્યું, ‘જો નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં યુકે તરફથી સારા પરિણામ આવે તો અમે ઇમરજન્સી લાઇસન્સ માટે એપ્લાય કરીશું. આવી સ્થિતિમાં જોખમી વસતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં અને માર્ચ-એપ્રિલ સુધીમાં જાહેર જનતાને વેક્સીન મળવાની શક્યતા છે. પૂનાવાલાના મતે તેમની કંપની એક મહિનામાં ૫થી ૬ કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકે છે, જે ફેબ્રુઆરી સુધીમાં વધારીને ૧૦ કરોડ કરવાની તૈયારી છે.
પૂનાવાલાએ જણાવ્યું હતું કે, સરકારને આ રસી મળશે ઘણા ઓછા ભાવે (૩થી ૪ ડોલર એટલે કે ૨૨૫-૩૦૦ રૂપિયા)માં મળશે, કારણ કે તે મોટી માત્રામાં ડોઝ ખરીદશે. તેમણે કહ્યું, ‘પરંતુ સામાન્ય લોકોને રસી માટે ૫૦૦થી ૬૦૦ રૂપિયા ચુકવવા પડશે. તેમણે કહ્યું કે, આ રસી બજારમાં હાજર અન્ય ઘણી રસીઓની તુલનામાં ઘણી સસ્તી છે. જણાવી દઈએ કે, ભારત સરકાર રસી તૈયાર કરવામાં વ્યસ્ત છે. દરેક ભારતીયને કોરોના રસી મફતમાં મળે તેવી પણ સંભાવના છે. ‘કોવિશિલ્ડ’ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધનકારો અને બ્રિટીશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. લેન્સેટે ગુરુવારે અહેવાલ આપ્યો કે આ રસી અસરદાર છે. એસઆઈઆઈએ કોવિશિલ્ડના ૧૦૦ કરોડ ડોઝ ઉત્પાદન માટે એસ્ટ્રાઝેનેકા સાથે ડીલ કરી છે.
આમ તો કોઈ પણ કંપનીએ તેની રસીના ભાવ સ્પષ્ટપણે જણાવ્યા નથી. પરંતુ વિવિધ અહેવાલો અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રસીનો અંદાજિત ખર્ચ કંઈક નીચે મુજબ હોવાનો અંદાજ છે. મોડર્ના- ૩૨-૩૭ ડોલર પ્રતિ ડોઝ (અમેરિકામાં), ફાઈઝર- ૧૯.૫ ડોલર પ્રતિ ડોઝ (અમેરિકામાં), જ્હોન્સન એન્ડ જ્હોન્સન- ૧૦ ડોલર પ્રતિ ડોઝ (અમેરિકામાં), ભારત બાયોટેક- ૨૦ રૂપિયાથી ઓછી, નોવાવેક્સ- ૧૬ ડોલર પ્રતિ ડોઝ (અમેરિકામાં), સ્પુતનિક વી- કોઈ અંદાજ નથી, જાયકોવ-ડી- કિંમતને લઈને કોઈ દાવો કરેલ નથી.SSS