પ્રજાના માથે ઠીકરો ક્યાં સુધી ફોડશો ?
દિવાળી સમયે અધિકારીઓની નિષ્ક્રિયતા નાગરીકોને ભારે પડીઃ સુરેન્દ્ર બક્ષી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વિસ્ફોટ થયો છે તથા પરિસ્થિતિએ હદે વણસી છે કે સ્માર્ટસીટીના નાગરીકોને સારવાર માટે કરમસદ અને ખેડા મોકલવામાં આવી રહ્યા છે. શહેરમાં કોરોનાના વધી રહેલા કેસ મામલે સરકારી અધિકારીઓ દ્વારા પ્રજાના માથે ઠીકરો ફોડવામાં આવ્યો છે. તથા દિવાળીના તહેવારમાં નાગરીકો ભાન ભુલ્યા તેના કારણે કેસ વધી રહ્યા હોવાના નિવેદન થઈ રહ્યાં છે.
સરકારી અધિકારીઓ કદાચ ૫૦ ટકા સાચા હશે કારણ કે નાગરીકોને ભાન ભૂલવવામાં તેમનો ફાળો પણ રહ્યો છે. નવરાત્રી સુધી કડકાઈ દર્શાવતા અધિકારીઓ દિવાળી ટાણે જ શા માટે નરમ પડ્યા ? તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ શહેરની વર્તમાન પરિસ્થિતિ માટે સત્તાધારી પક્ષ અને વહીવટીતંત્ર જવાબદાર હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં દિવાળી મધરાતથી અચાનક કોરોનાના કેસ મોટી સંખ્યામાં બહાર આવ્યા હતા જે હજી સુધી યથાવત છે. કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ માટે નાગરીકો જવાબદાર હોવાના નિવેદન થઈ રહ્યા છે. જેનો કોંગ્રેસપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પાેરેટર સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ અધિકારીઓ તેમની નિષ્ફળતા છુપાવવા પ્રજાને દોષ આપી રહ્યા છે. છેલ્લા સાત મહિનાથી તંત્ર દ્વારા જે સુવિધા કે આદેશ આપવામાં આવ્યા તેનું ચુસ્ત પાલન નગરજનો દ્વારા કરવામાં આવ્યું છે.
રથયાત્રા અને નવરાત્રીના તહેવારોની ઉજવણી બંધ રાખ આદેશ થયા તો નાગરીકોએ તેનો સહર્ષ સ્વીકાર કર્યાે હતો. દિવાળી સમયે અધિકારીઓ દ્વારા જ છૂટછાટ આપવામાં આવી હોય અથવા આંખ આડા કાન કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે.
શહેરના તમામ બજારોમાં મોટા પાયે ભીડ એકત્રિત થતી હતી તે બાબતની માહિતી તંત્ર પાસે નહતી ? ભીડ વધવાના કારણે સંક્રમણ વધશે તે સામાન્ય નિયમ વહીવટીતંત્રના મહાનુભાવો ભૂલી ગયા હતા ? દિવાળી સમયે ભીડ થતી હોવા છતાં તેને રોકવા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આ બાકી હોય તેમ તંત્ર દ્વારા જ પશ્ચિમ વિસ્તારના ૨૬ જેટલા બજારો મોડી રાત સુધી ખુલ્લા રાખવા ૧૧ નવેમ્બરે જાહેરાત થઈ હતી. કોરોના “કાબુ”માં છે તેમ દર્શાવવા તેમજ ખોટા વાહ વાહ મેળવવા માટે તંત્ર દ્વારા નાગરીકોને એકત્રિત થવા મોકળાશ આપવામાં આવી છે.
છેલ્લા સાત મહિનાથી બંધ કાંકરીયા પરિસરને પણ દિવાળી ટાણે જ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. તથા રોજ ત્રણ-ચાર હજાર સહેલાણીઓ આવતા હોવા છતાં તકેદારીના કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા. મ્યુનિ.તંત્ર દ્વારા રોજે-રોજ કેસની સંખ્યા ઓછી દર્શાવવામાં આવતી હોવાના કારણે પણ નાગરીકો “ભયમુક્ત” થઈ ગયા હતા.
દિવાળીના તહેવાર દરમ્યાન અધિકારીઓ જેટલા નિષ્ક્રિય થયા હતા નાગરીકો પણ તેટલા જ બેદરકાર રહ્યા હતા. તંત્ર દ્વારા આપવામાં આવેલી છુટછાટનો ગેરલાભ લેવામાં આવ્યો છે. તેથી તહેવાર બાદ વધી રહેલા કેસ માટે માત્ર નાગરીકોને જ દોષિત જાહેર કરવા યોગ્ય નથી. મ્યુનિ.અધિકારીઓ પણ તેટલા જ દોષિત છે. જ્યારે કોરોના મામલે સત્તાધીશો તેમની કોઈ જ જવાબદારી ન હોય તેવી રીતે વર્તી રહ્યાં છે. સુરત, વડોદરા અને રાજકોટમાં હોદ્દેદારો આયોજન કરી રહ્યા છે જ્યારે અમદાવાદમાં હોદ્દેદારો કોરોના મામલેથી અળગા રહ્યા છે કે રાખવામાં આવ્યાં છે. ? તે વેધક સવાલ પણ તેમણે કર્યાે હતો.