પ્રજાની સામે કિમ જોંગ ઉન રડી પડ્યા, માફી પણ માગી
પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તરંગી તાનાશાહ કિમ જોંગ ઉને પોતાની રીતની દુર્લભ ઘટનામાં દેશની પ્રજાની માફી માગી છે. આ દરમિયાન, તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. સરમુખત્યાર કિમે લોકોને કહ્યું હતું કે તે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન તેમની જનતા સાથે ન રહી શક્યા, તેના માટે માફી માગે છે. કિમ જોંગ-ઉન તેમની પાર્ટીના ૭૫ વર્ષ પૂરા થવા પર કાર્યક્રમને સંબોધન કરતી વખતે ભાવુક બન્યા હતા.
કિમ જોંગ ઉને તેમના ભાષણ દરમિયાન કબૂલ્યું હતું કે તેઓ ઉત્તર કોરિયાના લોકોના વિશ્વાસ ખરા ઊતરી શક્યા નથી તેથી તેના માટે માફી માંગે છે. કિમ જોંગ-ઉન તેમના ચશ્માને દૂર કરી અને આ નિવેદનની સાથે જ તેમના આંસુ લૂછ્યા. પોતાના પૂર્વજોના ‘મહાન કાર્ય’ ને યાદ કરતાં કિમે કહ્યું કે જોકે મને આ દેશ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ મારા પ્રયત્નો અને પ્રામાણિકતા મારા લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે પર્યાપ્ત રહ્યા નથી.
ભાવનાત્મક ભાષણમાં કિમ જોંગ ઉને કહ્યું કે કોરોનાને કારણે દુનિયાભરના લોકો પરેશાન છે. તેઓએ દક્ષિણ કોરિયા સાથેના સંબંધો સુધારવાની ઇચ્છા વ્યક્ત કરી. આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર કોરિયાએ પરમાણુ શસ્ત્રોથી સજ્જ ૨૨ પૈડાવાળા વાહન પર વિશ્વસ્તરની પરમાણુ મિસાઇલ હ્વાસોંગ -૧૫ રજૂ કર્યું હતું. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ મિસાઇલ યુ.એસ.ના કોઈપણ ખૂણામાં પ્રહાર કરવામાં સક્ષમ છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તાજેતરમાં જ તેની સૈન્ય પરેડમાં મિસાઇલ બતાવી હતી. નિષ્ણાતોએ કહ્યું કે આ મિસાઇલ વિશ્વની સૌથી લાંબી મિસાઇલોમાંની એક છે.
કિમ જોંગ ઉને આ વિશાળ કિલર મિસાઇલનું નિદર્શન કર્યું છે કે જ્યારે ટ્રમ્પે ઘણાં વર્ષોથી તેમનો પરમાણુ શસ્ત્રોનો કાર્યક્રમ છોડી દેવા માટે તેમને મનાવવાનો પ્રયાસ કર્યો છે. ઓપન ન્યૂક્લિયર નેટવર્કના ડેપ્યુટી ડિરેક્ટર મેલિસા હેનહમે કહ્યું કે, આ મિસાઇલ રાક્ષસ જેવી છે. યુ.એસ.ના વહીવટીતંત્રના અધિકારીઓએ કહ્યું કે મિસાઇલનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને સરકારને પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટે વાટાઘાટો કરવા હાકલ કરી છે.