પ્રજાને સસ્તો લોટ મળે તે માટે હું મારા કપડાં વેચવા તૈયાર છું: શાહબાઝ

ઈમરાન ખાને દેશને અત્યાર સુધીની સૌથી ઉંચી મોંઘવારી અને બેરોજગારીની ભેટ આપી હોવા અંગેનો આક્ષેપ
ઈસ્લામાબાદ, પાડોશી દેશ પાકિસ્તાન હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ બધા વચ્ચે દેશના રાજકારણમાં પણ ભારે ગરમાવો વ્યાપ્યો છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જનતાને સસ્તો લોટ મળી રહે તે માટે પોતે પોતાના કપડાં વેચવા પણ તૈયાર છે તેવું નિવેદન આપ્યું છે.
શહબાજ શરીફે ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી અને ઈમરાન ખાનના ખાસ એવા મહમૂદ ખાનને ચેતવણી આપી છે. શહબાજ શરીફે કહ્યું હતું કે, જાે તેઓ આગામી ૨૪ કલાકમાં ઘઉંના લોટની ૧૦ કિલોની બેગની કિંમત ૪૦૦ રૂપિયાથી નીચે નહીં લાવે તો હું મારા કપડાં વેચી દઈશ અને લોકોને સૌથી સસ્તો લોટ પૂરો પાડીશ.
આ દરમિયાન શરીફે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પણ ટાર્ગેટ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ઈમરાન ખાને દેશને અત્યાર સુધીની સૌથી ઉંચી મોંઘવારી અને બેરોજગારીની ભેટ આપી છે. ઈમરાન ખાને ૫૦ લાખ ઘર તથા એક કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. જાેકે તેઓ પોતાનું વચન પૂરૂ ન કરી શક્યા અને દેશને આર્થિક સંકટમાં ધકેલી દીધું. હું તમારા લોકો સામે એવું એલાન કરૂં છું કે, હું મારા જીવની બાજી લગાવી દઈશ પરંતુ આ દેશને સમૃદ્ધિ તથા વિકાસના રસ્તા પર આગળ લઈ જઈશ.’
શરીફે પાકિસ્તાનમાં આભને આંબી રહેલી પેટ્રોલ-ડીઝલની કિંમતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ સ્થિતિ માટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જવાબદાર છે. શરીફે કહ્યું હતું કે, ‘ઈમરાન ખાન જે સૌ કોઈનું બધાની સામે અપમાન કરે છે, તેમને જ્યારે એવો વિશ્વાસ બેસી ગયો કે તેઓ અવિશ્વાસના પ્રસ્તાવના કારણે સત્તામાંથી બેદખલ થઈ જશે ત્યારે તેમણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કિંમતો ઘટાડી દીધી. એવા સમયે જ્યારે સમગ્ર વિશ્વમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કિંમતો ઝડપથી વધી રહી હતી તે સમયે ઈમરાન સરકારે આ પ્રકારનું પગલું ભર્યું.’SS2KP