પ્રજાસત્તાક પરેડ માટે પસંદગી પામેલ ૧૧૧ કેડેટ્સને અભિનંદન સાથે વિદાય આપતા મુખ્યમંત્રી
આજની યુવા શક્તિ દિશાવિહીન નહીં, પરંતુ દેશના જવાબદાર નાગરિક બની રહેવાની છે એન.સી.સી. દ્વારા શિસ્ત અને અનુશાસનના સંસ્કારોનું સિંચન થાય છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, આજની યુવા શક્તિ દિશાવિહીન નહીં પરંતુ દેશના જવાબદાર નાગરિકો બની રહેવાની છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, એન.સી.સી.ના કેડેટ્સમાં નાની ઉંમરથી શિસ્ત, અનુશાસન અને દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય છે, જે તેમને ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આગામી પ્રજાસત્તાક પરેડમાં પસંદગી પામેલા ગુજરાત સહિત દીવ, દમણ, દાદરાનગર હવેલી સહીતના ૧૧૧ કેડેટ્સને અભિનંદન સાથે દિલ્હીમાં શાનદાર પ્રદર્શન માટેની શુભકામનાઓ સાથે વિદાય આપતા તેમણે કહ્યું કે, દેશભક્તિ, દેશપ્રેમથી છલોછલ આ તેજસ્વી તારલાઓ ગુજરાતનું સર દેશમાં ઉન્નત કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એન.સી.સી.ના કેડેટસ રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી આ ૧૧૧ કેડેટ્સને દિલ્હી પરેડ માટે વિદાય આપવા સાથે ૬૧૦૦૦ કેડેટ્સથી બનેલ એન.સી.સી. તેના સ્પોર્ટસ, પર્યાવરણ રક્ષા જેવા સમાજસેવી કાર્યોથી આગવી ઓળખ ધરાવે છેતેમ ઉમેર્યું હતું.
દેશમાં સ્વાધીનતાની લડાઈ હોય કે સુશાસનની, ગુજરાત તેમાં અગ્રેસર રહ્યું છે. તે જ રીતે ગુજરાતની યુવા પેઢીમાં મૂલ્યોનું સિંચન થાય અને ગુજરાત પ્રગતિના શિખરો સર પડે તે માટે યુવા પેઢીને ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેવાની છે
દેશના કેડેટ્સના શિસ્ત અને અનુશાસનને જોઈ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબના નયા ભારતના નિર્માણમાં યુવાનો અગ્રેસર ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
એન.સી.સી.ના એ.ડી.જી. શ્રી રોય જોસેફે એન.સી.સી. દ્વારા હાથ ધરાયેલ વિવિધ તાલીમ, સાહસિક પ્રવૃત્તિઓ અને સામાજિક સેવાઓ સહિત સામૂદાયિક વિકાસની પ્રવૃત્તિઓ વિશે મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. આ અવસરે ‘યુવાનો માટે મહાત્માના બોધપાઠ’ થીમ સાથે ફ્લેગ એરીયા મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેડેટ્સ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ આ આ અવસરે રજૂ કરવામાં આવી હતી.
એન.સી.સી. ટૂકડીને પ્રજાસત્તાક દિન માટે રવાના કરવાના કાર્યક્રમમાં બ્રિગેડિયર સર્વશ્રી આર.કે મંગોત્રા, આર.કે સિંગ, અમિત, એન.સી.સી.ના વરિષ્ઠ અધિકારીઓ એન.સી.સી.ના કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.