પ્રજા દ્વારા ફગાવી દેવાયેલ વિરોધી જુઠ્ઠાણા ફેલાવવામાં વ્યસ્ત : મોદી
નવીદિલ્હી: ભાજપના નવા પ્રમુખ તરીકે જેપી નડ્ડાની નિમણૂંક કરવામાં આવ્યા બાદ આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. સાથે સાથે વિપક્ષ ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રજા દ્વારા અસ્વિકાર કરી દેવામાં આવ્યા બાદ વિપક્ષના લોકો જુઠ્ઠાણા અને ભ્રમને હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. નાગરિક સુધારા કાનૂનને લઇને જારી વિરોધ પ્રદર્શન તરફ ઇશારો કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, ફગાવી દેવામાં આવેલા લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે પરંતુ લોકોનો વિશ્વાસ હચમચી ઉઠ્યો નથી. તેમના જુઠ્ઠાણાને ચલાવી લેવામાં આવશે નહીં.
અમે પણ આગળ વધતા રહીશું. વડાપ્રધાને સ્વાગત ભાષણમાં નડ્ડાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, વિપક્ષને પ્રજા ફગાવી ચુકી છે. જુઠ્ઠાણા અને ભ્રમને વિપક્ષના લોકો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. અમારા માટે વધારે સક્રિય થવાની જરૂર છે. જન જન સુધી પહોંચવાની જરૂર છે. નકારી દેવામાં આવેલા લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે પરંતુ લોકોનો વિશ્વાસ હજુ અકબંધ રહેલો છે. મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી રાજનીતિમાં પ્રજાએ જે લોકોને ફગાવી દીધા છે તેમની પાસે હવે ખુબ ઓછા હથિયાર રહ્યા છે. વારંવાર જુઠ્ઠાણા ફેલાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. પ્રજાની અમારી તાકાત રહેલી છે.
બિન કોંગ્રેસી પાર્ટીને પૂર્ણ બહુમતિ આપનાર પ્રજાની શક્તિ અમારી સાથે રહેલી છે. હિમાચલના લોકોને લાગે છે કે, એક પુત્ર આજે ભાજપના અધ્યક્ષ બન્યા છે પરંતુ નડ્ડા ઉપર જેટલો હક હિમાચલનો છે તેટલો જ હક બિહારનો પણ છે. બિહારમાં તેઓએ અભ્યાસ કર્યો છે. તેમના ઉપર બિહાર વધારે ગર્વ કરે તે જરૂરી છે. હિમાચલ પ્રદેશ ખુબ જ ઉલ્લેખનીય સેવા આપવા માટે તૈયાર છે.
જેપી નડ્ડાની સાથે લાંબા સમય સુધી કામ કરવાનો અનુભવ રહ્યો છે. લાંબા સમય સુધી હિમાચલમાં કામ કરવાની તક મળી છે જ્યારે તેઓ પાર્ટીના સંગઠનની કામગીરી નિહાળતા હતા ત્યારે નડ્ડા યુવા મોરચાનું કામ સંભાળતા હતા. મોદીએ અમિત શાહની ભરપુર પ્રશંસા કરતા કહ્યું હતું કે, અમિત સાહે પાર્ટીને અભૂતપૂર્વ મજબૂતી આપી છે. રાજકીય પાર્ટી માટે સત્તામાં રહીને સંઘર્ષ કરવાની બાબત મુશ્કેલરુપ હોય છે પરંતુ ભાજપ સત્તામાં હોવા છતાં અમિત શાહે પાર્ટીનું વિસ્તાર કર્યું છે જે એક મોટી બાબત છે.
તેમણે ઉમેર્યું હતું કે, સરકાર અને પક્ષની વચ્ચે જે અંતરની સ્થિતિ છે તેને ખતમ કરવાની તક કોઇને મળવી જાઇએ નહીં. કેટલીક મર્યાદા રહેલી છે તે મર્યાદાઓ પાળવી જાઇએ. રાજકીય પક્ષો માટે ચૂંટણી હવે સતત ચાલનાર એક પ્રક્રિયા બની ગઈ છે. રાજનીતિમાં મુલ્ય અને આદર્શ મહત્વપૂર્ણ છે.