પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સહિતના મામલે મ્યુનિ. તંત્ર દ્વારા રૂ.૧.૬૩ લાખનો દંડ વસૂલાયો
(એજન્સી) અમદાવાદ, મ્યુનિ. તંત્રના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો તેમજ દુકાનદારો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ માટે આકરા પગલા લેવાઇ રહ્યા છે, જે અંતર્ગત ગઇકાલના એક જ દિવસે તંત્રે રૂ.૨૨,૨૦૦નો દંડ વસૂલ્યો હતો. ઉપરાંત શહેરમાં ગંદકી કરવી, રોડ પર પાણી ઢોળવુ, એંઠવાડ ફેંકવો તેમજ કચરો નાખવા જેવા મામલા સહિત કુલ રૂ.૧.૬૪ લાખના દંડની વસૂલાત કરી હતી.
પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ મામલે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ દંડાત્મક કાર્યવાહી કરાઇ હતી. તંત્રે કુલ ૨૭ લોકોને નોટિસ ફટકારીને રૂ.૮૯૦૦નો દંડ વસૂલ્યો હતો.
દક્ષિણ ઝોનમાં ૧૩ લોકોને નોટિસ ફટકારીને રૂ.૨૮૦૦નો દંડ, પૂર્વ ઝોનમાં સાત નોટિસ ફટકારીને રૂ.૩૫૦૦નો દંડ, મધ્ય ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાર-ચાર લોકોને નોટિસ ફટકારી રૂા.૧૫૦૦ અને રૂ.૩૦૦૦નો ંદડ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ત્રણ લોકોને નોટિસ ફટકારીને રૂ.૧૫૦૦નો દંડ અને ઉત્તર ઝોનમાં સૌથી ઓછી એક નોટિસ ફટકારીને રૂ.૧૦૦૦નો દંડ વસૂલ્યો હતો. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ આ કાર્યવાહી કરાઇ હતી.
જ્યારે સોલિડવેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ જાહેરમાં ગંદકી ફેલાવવી જેવા મામલે પૂર્વ ઝોનમાં ૧૮ નોટિસ ફટકારીને સૌથી વધુ રૂ.૫૭,૮૦૦નો દંડ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી ૪૫ નોટિસ ફટકારી રૂ.૧૯,૫૦૦નો દંડ, પશ્ચિમ ઝોનમાં ૩૯ નોટિસ ફટકારીને સૌથી ઓછો રૂ.૧૦,૦૦૦નો દંડ વસૂલાયો હતો.
સત્તાવાળાઓએ ગઇકાલે કુલ ૨૮૮ નોટિસ ફટકારીને રૂ.૧.૬૩ લાખનો દંડ વસૂલ્યો હતો, જેમાં પૂર્વ ઝોનમાંથી રૂ.૬૧,૩૦૦, પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧૮,૯૦૦, ઉત્તર ઝોનમાંથી રૂ.૧૪,૧૦૦, દક્ષિણ ઝોનમાંથી રૂ.૧૬૦૦૦, મધ્ય ઝોનમાંથી રૂા.૧૬,૦૦૦, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી રૂા.૨૨,૫૦૦ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧૩,૭૦૦નો દંડ વસૂલ્યો હતો.
દરમિયાન, પૂર્વ ઝોનના તંત્ર દ્વારા નિકોલ વિસ્તારમાં શિવમ્ એસ્ટેટની પાછળ આવેલા તંત્રની માલિકીના રિઝર્વ પ્લોટમાં પરવાનગી વગર ઇન્ડસ્ટ્રીઝમાંથી લાવવામાં આવેલા પ્સાટિક વેસ્ટને ઠાલવતી ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કરાઇ હતી. ઉપરાંત ટ્રેક્ટર ટ્રોલીના માલિક પાસેથી રૂ.૫૦ હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો, જેના કારણે આવી પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.