પ્રતિબંધ છતાં પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને હજુ ફંડિંગ આપી રહ્યું છેઃ FATF
નવી દિલ્હી, દુનિયાભરના દેશોએ આતંકવાદી સમૂહોને મળતાં નાણાં પર પ્રતિબંધ લાદ્યા છતાં આતંકવાદી જૂથોને નાણાં મળે છે એવો અભિપ્રાય પેરિસમાં ચાલી રહેલી એફએટીએફની બેઠકમાં વ્યક્ત થયો હતો. આ બેઠકમાં પોતે બ્લેકલિસ્ટમાં ન આવી જાય એ માટે પાકિસ્તાને ઘણા હવાતિયાં માર્યા છે. મસૂદ અઝહર અને બીજા આતંકવાદીઓને કેદ પકડ્યા છે અને આતંકવાદી જૂથો પર જબરા પ્રતિબંધો લાદ્યા છે એવું નાટક પણ પાકિસ્તાને કર્યું.
તાજેતરમાં પાકિસ્તાનના ભાઇબંધ એવા ચીનના વિદેશ પ્રધાને પણ એફએટીએફને પ્રભાવિત કરવા એવું નિવેદન કરેલું કે પાકિસ્તાને આતંકવાદને ડામવા અસરકારક પગલાં લીધાં હતાં. આમ પાકિસ્તાન દુનિયાની આંખોમાં ઘૂળ નાખવાના પ્રયાસો કર્યા છે. પેરિસમાં આ બેઠક આ આખા અઠવાડિયા સુધી ચાલવાની છે. પાકિસ્તાન હાલ ગ્રે લિસ્ટમાં છે. એમાંથી બહાર આવવા એ જાતજાતનાં ગતકડાં કરી રહ્યું છે.
ભારતીય પ્રતિનિધિએ જોરદાર રજૂઆત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાન લશ્કર એ તૈયબ, જૈશ એ મુહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવી આતંકવાદી સંસ્થાઓને ભારતમાં આતંકવાદી હુમલા કરવા માટે નાણાં પૂરાં પાડે છે. ભારતની રજૂઆત એકદમ સચોટ હોવાનું હાજર રહેલા સભ્યોને લાગ્યું હતું.