પ્રતિબંધ છતા હર કી પૌડી પહોંચેલા ૧૪ કાવડિયાઓની ધરપકડ કરાઇ
હરિદ્વાર: કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે પણ કાવડ યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકારે કાવડિયાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ તેમ છતાં કેટલાક કાવડિયાઓ ચકમો આપીને હર કી પૌડી સુધી પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
હરિદ્વારમાં હર કી પૌડી ખાતે પહોંચીને આશરે ૧૪ જેટલા કાવડિયાઓએ ‘બમ બમ ભોલે’ના નારા લગાવ્યા હતા અને ત્યાર બાદ પોલીસે તમામની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ૧૪ કાવડિયાઓ ઉપરાંત ૨ દુકાનદારોની પણ ધરપકડ કરી છે જે કાવડ યાત્રા સાથે સંકળાયેલો સામાન વેચી રહ્યા હતા.
તમામ વિરૂદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત એક્શન લેવામાં આવી છે. સાથે જ ધરપકડ કરવામાં આવી છે તે સૌ કાવડિયાઓને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરના અંદેશાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે સત્તાવાર રીતે કાવડ યાત્રા પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ કારણે હાલ કાવડ લઈ જવી અને તેના સાથે સંકળાયેલા કોઈ પણ કાર્ય કરવા પર પ્રતિબંધ છે.
જાણવા મળ્યા મુજબ ધરપકડ કરવામાં આવી છે તે સૌ કાવડિયા હરિયાણાના સોનીપતના રહેવાસી હતા. સ્થાનિક સીઓ સિટી અભય સિંહના કહેવા પ્રમાણે પ્રતિબંધ છતા હર કી પૌડી ખાતે કેટલાક લોકો દ્વારા નિયમભંગનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અમે કાવડિયાઓના વેશમાં રહેલા ૧૪ લોકોની ધરપકડ કરી છે.વધુમાં જણાવ્યું કે, આ વર્ષે જે લોકો કાવડની સામગ્રી વેચશે તેમના વિરૂદ્ધ પણ એક્શન લેવામાં આવશે. તેને લઈ સતત જાગૃત્તિ ફેલાવવામાં આવી રહી છે.
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત તમામ અન્ય સરકારોએ કાવડ યાત્રા પર પ્રતિબંધ મુકી દીધો છે. જાેકે લોકો શિવરાત્રી નિમિત્તે મંદિરોમાં પૂજા કરી શકશે પણ તે દરમિયાન કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.