Western Times News

Gujarati News

પ્રતિષ્ઠિત યુનિરેન્ક મેળવીને GTUએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

જીટીયુના તમામ ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફની અથાગ મહેનતનું આ પરિણામ છે. જે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ માટે પણ લાભદાયી થશે.-પ્રો. ડૉ. નવીન શેઠ

વેબ ઈન્ટેલિજન્સ થકી જીટીયુમાં થતી વિવિધ ઈ- પ્રવૃત્તિ , ઉપરાંત UG, PG, PH.D સહિતના વિવિધ અભ્યાસક્રમોને આધારે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે દેશમાં સતત અગ્રેસર રહી છે.  ઈનોવેશન , સ્ટાર્ટઅપ કે પછી ડિજીટલાઈઝેશન જેવા મહત્વના વિષયો પર જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓ માટે કાર્યરત હોય છે. તાજેતરમાં યુનિરેન્ક દ્વારા ભારતની કુલ 884 યુનિવર્સિટીઝ અને શૈક્ષણીક સંસ્થાઓ માટે યુનિરેન્ક જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાંથી પ્રથમ સ્થાને રહીને જીટીયુએ સતત 2જી વખતે પણ યુનિરેન્ક પ્રાપ્ત કર્યો છે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુના તમામ ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફની અથાગ મહેનતનું આ પરિણામ છે. જે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ માટે પણ લાભદાયી થશે.

યુનિરેન્ક એ ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓને  આંતરરાષ્ટ્રીય રેન્કિંગ આપતી ડેટાબેઝ સર્ચ એન્જીન છે. જે 200 થી વધારે દેશની 13800થી વધુ માન્ય યુનિવર્સિટી અને શૈક્ષણીક સંસ્થાઓનું રેન્કિંગ કરે છે.

તેના દ્વારા વિવિધ યુનિવર્સિટીમાં ચાલતાં અભ્યાસક્રમો અને વિદ્યાર્થીઓ માટે ચાલતી વિશેષ પ્રવૃત્તિ ઉપરાંત આર્ટીફિશલ ઈન્ટેલિજન્સ અને વેબ ઈન્ટલિજન્સના માધ્યમ થકી યુનિવર્સિટીમાં ચાલતી વિવિધ ઈ- પ્રવૃત્તિને પ્રાધાન્ય આપીને રેન્કિંગ જાહેર કરવામાં આવે છે.

જીટીયુ રાજ્યમાં પ્રથમ સ્થાને તથા સમગ્ર દેશમાં 27માં ક્રમે પસંદગી પામેલ છે. સતત 2જી વખત આ રેન્ક મેળવનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે.  આઈ-ટી બેઝ્ડ તમામ પ્રકારની ડિજીટલાઈઝેશન સિસ્ટમ , સ્ટાર્ટઅપ અને ઈન્ક્યુબેશન સેન્ટર વગેરે જેવા સકારાત્મક પરિબળો થકી આ રેન્કિંગ મેળવવામાં જીટીયુ અગ્રસ્થાને રહી છે.

યુનિરેન્કની કાર્યપ્રણાલી મુજબ કોઈ પણ યુનિવર્સિટી તરફથી રેન્કિંગ સંદર્ભીત આવેદન મંગાવવામાં આવતું નથી. પરંતુ જે-તે યુનિવર્સિટીની વેબસાઈટના સર્ચીંગથી લઈને તેના પર રહેલ ટ્રાફિક વગેરેને આધારે રેન્ક જાહેર કરાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.