પ્રથમ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને ઈનિંગ્સ અને ૨૨૨ રનોથી હરાવ્યું
(એજન્સી) મોહાલી, મોહાલીમાં રમાઈ રહેલી શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં સર રવીન્દ્ર જાડેજાના જાદૂથી ભારતીય ટીમે ત્રીજા દિવસે જ શ્રીલંકા સામે શાનદાર વિજય હાંસલ કર્યો છે. કેપ્ટન તરીકે રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ ઈનિંગ્સ અને ૨૨૨ રનોથી પ્રથમ ટેસ્ટ મેચ જીતીને સીરિઝ પર ૧-૦થી લીડ મેળવી છે.
મેચના બીજા દિવસે ભારતીય ટીમે ૫૭૪ રનો પર ઈનિંગ્સની જાહેરાત કરી હતી. ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ટોપ પર ચાલે રહેલી શ્રીલંકાની પ્રથમ ઈનિંગ્સ ૧૭૪ અને બીજી ઈનિંગ્સ ૧૭૮ રનો પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આજના દિવસે કુલ ૧૬ વિકેટો પડી હતી. અને બે ઈનિંગ્સમાં કુલ ૧૨૫ ઓવર ફેંકાઈ હતી.
ભવિષ્યમાં આ ટેસ્ટ મેચ રવીન્દ્ર જાડેજા ટેસ્ટ મેચ તરીકે ઓળખાશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ૧૭૫ રનોનો શાનદાર સ્કોર ફટકારીને તેણે ભારતીય ટીમ માટે પહાડ જેવડો સ્કોર ઉભો કર્યો હતો. આ ઉપરાંત આજે પ્રથમ ઈનિંગ્સમાં ૫ વિકેટ તો સેકન્ડ ઈનિંગ્સમાં ૪ વિકેટ ઝડપી હતી. જાે કે, તે એક મોટો ઈતિહાસ બનાવતા ચૂકી ગયો હતો. એક જ ટેસ્ટ મેચમાં ૧૦૦ રન બનાવીને ૧૦ વિકેટ ઝડપવાના રેકોર્ડથી તે માત્ર ૧ વિકેટ દૂર રહી ગયો હતો.
પ્રથમ ઈનિંગ્સમાં ૪૦૦ રનોની લીડ મેળવ્યા બાદ ભારતીય ટીમે ફરીથી બેટિંગ કરવાને બદલે શ્રીલંકાને ફોલોઓન આપવાનો ર્નિણય કર્યો હતો.
શ્રીલંકાએ બીજી ઈનિંગ્સમાં ખરાબ શરૂઆતનો સામનો કરવો પડ્યો હતો અને તેને શરૂઆતમાં જ પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઈનિંગ્સની ત્રીજી ઓવરમાં આર. અશ્વિને લહિરુ થિરિમાનેને ૦ રન પર આઉટ કરી દીધો હતો.
પ્રથમ ઈનિંગ્સમાં હાફ સેન્ચુરી ફટકારનાર પથુમ નિસાંકાને પણ ૬ રન બનાવીને અશ્વિને પેવેલિયન પરત મોકલ્યો હતો. ૪૪ રન પર ૪ વિકેટ પડ્યા બાદ એન્જલો મેથ્યૂઝ અને ધનંજયા ડી સિલ્વાએ ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો અને બંને વચ્ચે પાંચમી વિકેટ માટે ૪૯ રનોની પાર્ટનરશિપ થઈ હતી.
જાડેજાએ ધનંજયાને આઉટ કરીને આ પાર્ટનરશિપ તોડી દીધી હતી. અશ્વિને ચરિથ અસલંકાને આઉટ કર્યો હતો. આ વિકેટ સાથે જ તેણે કપિલ દેવને પણ પાછળ છોડી દીધો હતો. અને ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય બોલર્સના લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગયો હતો. ભારતે ૧૨૧ રન પર શ્રીલંકાની ૭ વિકેટ ઝડપી લીધી હતી. જે બાદના બેટર્સે ભારતના બોલર્સને પરેશાન કર્યા હતા. બીજી ઈનિંગ્સમાં જાડેજાએ ૪ વિકેટ ઝડપી હતી.
આ અગાઉ પ્રથમ ઈનિંગ્સમાં શ્રીલંકાએ અંતિમ ૬ વિકેટ ૧૩ રનોની અંદર ગુમાવી દીધી હતી. પ્રથમ કલાકમાં ચાર વિકેટ પર શ્રીલંકાનો સ્કોર ૧૬૧ રન હતો અને ત્યારબાદ પૂરી ટીમ ૧૭૪ રનો પર પેવેલિયન પરત ફરી ગઈ હતી. પાથુમ નિસાંકાએ ૧૩૩ બોલમાં અણનમ ૬૧ રન બનાવ્યા હતા. ભારત માટે પ્રથમ ઈનિંગ્સમાં જાડેજાએ ૫ વિકેટ ઝડપી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ઈનિંગ્સમાં પાંચ વિકેટ લેવાનું કારનામું ૨૦મી વખત કર્યું છે.