Western Times News

Gujarati News

પ્રથમ તબક્કાની કામગીરીની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના પ્રથમ તબક્કાના કામોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

મેટ્રો રેઇલના ૪૦.૦૩ કિ.મી.ના આ પ્રથમ તબક્કામાં કુલ ૧ર૭૮૭ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલો છે તેની સંપૂર્ણ વિગતોથી મુખ્યમંત્રીશ્રીને ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. શ્રી એસ. એસ. રાઠૌરે માહિતગાર કર્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રથમ તબક્કાના કુલ ૪૦.૦૩ કિ.મી.ના રૂટમાં ૬.પ કિ.મી. અંડરગ્રાઉન્ડ લાઇન સહિત ૩ર સ્ટેશન્સ અને ર ડેપો તૈયાર થવાના છે તેની પણ તલસ્પર્શી વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, અમદાવાદ મહાપાલિકાના કમિશનર શ્રી વિજય નહેરા અને મેટ્રો રેલ કોર્પોરેશનના તથા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

 મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેકટમાં હાલ ચાલી રહેલા વાયેડકટ, સેગ્મેન્ટ તથા ટ્રેકના નિર્માણ બાંધકામ તેમજ ક્રોસ સેકશન પોર્ટલ સ્ટેશન્સની વિગતો મેળવી હતી. તેમણે ઇર્સ્ટન કોરીડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક, અંડરગ્રાઉન્ડ કોરીડોરમાં એપેરલ પાર્કથી કાલુપુર અને શાહપુર તેમજ ઇસ્ટવેસ્ટ કોરીડોરમાં થલતેજ ગામથી સ્ટેડિયમ સહિતના વિવિધ કોરીડોરની હાથ ધરાનારી કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મેટ્રો રેલ પ્રોજેકટ માટેની જમીન સંપાદન પ્રક્રિયા અને અસરગ્રસ્તોના પૂર્નવસન માટેની જમીન મેળવવા અંગે મેટ્રો રેલ કોર્પોરેશન અને અમદાવાદ મહાપાલિકાને સંકલન કરી સમયાંતરે સમીક્ષા બેઠક કરવા પણ સૂચન કર્યુ હતું.

અમદાવાદ મહાનગરમાં મેટ્રો રેલની કામગીરીને પરિણામે જે માર્ગોના મરામતની જરૂર જણાય ત્યાં પણ મહાપાલિકા સાથે પરામર્શ કરીને તે રિપેરીંગ કાર્ય મેટ્રો રેલ કોર્પોરેશને ત્વરાએ હાથ ધરવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે અમદાવાદ મહાનગરમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રોજેકટ અંતર્ગત ૩૪.૭૮ કિ.મી.ના માર્ગો પૈકી ૮.૪૧ કિ.મી. માં મરામતની જરૂરિયાત ઊભી થયેલી છે તે સંપૂર્ણ દુરસ્ત કરી દેવામાં આવેલું છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ મેટ્રોરેલ પ્રોજેકટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટેની કામગીરીનું ફોલોઅપ અને સમીક્ષા રાજ્ય સરકાર, અમદાવાદ મહાપાલિકા અને મેટ્રો રેલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સંયુકત બેઠકો યોજીને સતત કરતા રહે તેવી તાકિદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.