પ્રથમ ભકિત સંતન કર સંગા.
એક નાનું ગામ હતું. એના એક મુખી. જ્ઞાતિએ પટેલ પણ અકકડ સ્વભાવના હતા. સાધુઓને કોઈ દિવસ મળતા નહી. એક દિવસ કોઈ સાધુ ગામમાં આવ્યા. તેમની પાસે આખું ગામ જઈ આવ્યું. તે જાઈ મુખી પણ કુતુહલવશ થઈ સાધુને જાવા ગયા. સાધુ જે આવે તેને કહેતા, ‘આવો, બેસો, જાઓ છો ?’ બસ, ત્યાર પછીનો ઉપદેશ તો મુખીએ ન સાંભળ્યો, પણ આ ત્રણ શબ્દો યાદ રહી ગયા. મોટા મોટા માણસો સાધુની પાસે આવતા પટેલે જાયા અને મનમાં વિચાર્યું કે, ‘આ બધાઓની પહેલાં હું ગયો હોત તો કંઈક વરદાન આપત.’ અને વિક્ષુબ્ધ મનના થઈને ઘેર ગયા. પણ મનમાં ‘આવો, બેસો, જાઓ છો !’ એ શબ્દો ગુંજી રહયા. થોડાં દિવસો પછી રાત્રે પટેલને ઘેર ચોર લોકો આવ્યા. પણ રાત્રે ઉંઘમાં મુખી તો પેલા જ શબ્દો બબડી રહયા હતા. આવો, સાંભળીને ચોરોએ કાન સરવા કર્યા, બેસો સાંભળતાં તો ચોરો જાય નાઠા. આ દોડાદોડી સાંભળીને મુખી જાગી ગયા. બૂમાબૂમ કરતાં ચોરો પકડાઈ ગયા. ચોરોને પુછતાં ‘આવો બેસો જાઓ છો’ નો ભેદ ખૂલ્યો.
મુખીએ મનમાં વિચાર્યું કે, થોડો સમય સાધુ પાસે ગયો એટલામાં આટલું બધું ફળ મળ્યું, તો પછી સદાકાળ ત્યાં વ્યતિત કરીએ તો કેટલો બધો ફાયદો થાય ? આ મુખી ગામની બહાર ફરતા હતા ત્યાં એક ખેડૂત કોસ ચલાવતાં ગાઈ રહયો હતોઃ પ્રથમ ભકિત સંતન કર સંગા… અને આ સાંભળતા જ મુખી પટેલનો સ્વભાવ ધીમે ધીમે બદલાયો. સ્વાર્થવૃત્તિ પણ બદલાઈ ગઈ અને સાચા ભકત બન્યા. એક વખતના સત્સંગનું ફળ છે આ તો !