Western Times News

Gujarati News

પ્રદીપસિંહ જાડેજાએ પ્રેમ દરવાજાથી દરિયાપુર પોલીસ સ્ટેશન સુધી રૂટ પર ફૂટ માર્ચ કરી

અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. રથયાત્રા પહેલા જગન્નાથ મંદિર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આજે પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને રથયાત્રાના આયોજન વિશે વધુ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સવારે ૭ વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી અને ૭ વાગ્યે મુખ્યમંત્રી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. ગૃહમંત્રીએ પોલીસવડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, તમામ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ મળી ૫૦ ગાડીઓના કાફલા સાથે રૂટ પર નિરીક્ષણ કર્યું.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં દર્શન કરીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી તેમણે મોસાળ સરસપુરમાં પણ રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રાના સમગ્ર માર્ગ પર પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ રહેશે. રથયાત્રા જ્યાંથી પસાર થવાની છે ત્યાં કર્ફ્‌યૂનો અમલ કરાવીને મંદિરથી પ્રસ્થાન કરીને નિજમંદિરે પરત આવે ત્યાં સુધી દર્શનાથીઓ રથની નજીક આવીને કોરોના પ્રોટોકોલનો ભંગ ન કરે એ માટે કર્ફ્‌યૂના અમલ સાથે રથયાત્રા કાઢવાની પરવાનગી આપી છે. અમદાવાદની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા છે, એમાં સવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીની અંદર ઉપસ્થિત રહીને વર્ષોની પરંપરાને અનુસરશે. રવિવારે ૧૧ જુલાઈએ સવારે ૯.૦૦ વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન થશે. ત્યાર બાદ ૧૦ વાગ્યે ગજરાજની પૂજન વિધિ થશે. બપોરે ૨.૦૦ વાગ્યે મંદિર પરિસરમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ થશે. સાંજે ૬.૦૦ વાગ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પૂજા અને આરતીમાં ભાગ લેશે. ત્યાર બાદ ૮.૦૦ વાગ્યે મહા આરતી યોજાશે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા આજે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અલગ રીતે યોજાશે. મંદિર તરફથી અપીલ છે કે લોકો ઘરમાં બેસી અને રથયાત્રાનો લાભ લે. રથ નિયત કરેલા સમયમાં પરત આવશે. રસ્તામાં કોઈપણ પ્રસાદની વહેચણી કરવામાં આવશે નહી. રથ નિજ મંદિર પરત ફરશે ત્યારબાદ મંદિરમાં મગ, જાબું, ખીચડાનો પ્રસાદ આપવામાં આવશે. બપોરે ભગવાન રથ પરત આવે ત્યારે લોકો મંદિરમાં આવીને દર્શન કરી અને પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.

મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે મીડિયાના માધ્યમથી લોકો દર્શન કરે એવી અપેક્ષાઓ રાખું છું. પોલીસ અને લોકો અમને સાથસહકાર આપે એવી આશા છે. કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રાનો આનંદ ઉત્સાહ અને દર્શનનો લાભ મેળવવામાં આવે. પૂજાવિધિ પરંપરા મુજબ યોજાશે, જાેકે ભક્તો સાથે નહીં હોય. ભગવાન નગરચર્યાએ નીકળે એના માટે સૌના સહકારની અપેક્ષા છે.તેમણે કહ્યું કે ૧૨ જુલાઈએ સવારે ૪.૦૦ વાગ્યે મંગળા આરતી થશે સવારે ૪.૩૦ વાગ્યે ભગવાનને ખીચડીનો વિશિષ્ટ ભોગ ધરાવાશે. ત્યાર બાદ સવારે ૭.૦૦ વાગ્યે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે.ખલાસીભાઈઓને ગાઈડલાઈન્સ મુજબ સૂચના આપવામાં આવી છે. ૬૦ ખલાસીભાઈ સવારે રથ સરસપુર સુધી લઈ જશે. બીજા ૬૦ ખલાસીભાઈ સરસપુરથી રથ નિજમંદિર પરત લાવશે.

રથયાત્રા પૂર્વે શનિવારે ૮.૩૦ વાગ્યે નેત્રોત્સવ વિધિ થશે. ૯.૩૦ વાગ્યે ધ્વજારોહણની વિધિ યોજાશે. રથયાત્રાના આગળના દિવસે રથનું પૂજન કરશે. સવારે ૪.૩૦ વાગ્યે મંગળા આરતી થશે. ૭ વાગ્યે પહિંદવિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. રથયાત્રામાં જમાલપુર દરવાજાથી સ્વાગતની પરંપરા છે, પરંતુ આ વર્ષે ક્યાંય રથ રોકાશે નહી. કોઈએ સ્વાગત કરવા રોડ પર આવવું નહીં. રથયાત્રાનો રૂટ ટૂંકાવવામાં નથી આવ્યો. રથયાત્રામાં પરંપરાગત ૩ જેટલા રથ, મહંતશ્રી સાથે પાંચ વાહનોને પરવાનગી આપવામાં આવી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.