પ્રધાનમંત્રીએ ઇ-ગ્રામ સ્વરાજ્ય એપ અને સ્વામીત્વ યોજનાનો શુભારંભ કર્યો
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ 2020 નિમિત્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના સરપંચો અને ગ્રામ પંચાયતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે એકીકૃત ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન તેમજ સ્વામીત્વ યોજનાનો શુભારંભ પણ કરાવ્યો હતો. ઇ-ગ્રામ સ્વરાજ ગ્રામ પંચાયત વિકાસની યોજનાઓ તૈયાર કરવામાં અને તેનો અમલ કરવામાં મદદ કરે છે. આ પોર્ટલ વાસ્તવિક સમયમાં દેખરેખ અને જવાબદારી સુનશ્ચિત કરશે. આ પોર્ટલ ગ્રામ પંચાયતના સ્તર સુધી ડિજિટાઇઝેશનને લઇ જવાની દિશામાં ઘણું મોટું પગલું છે.
6 પગલાંમાં પ્રારંભિક મોડમાં શરૂ કરવામાં આવેલી સ્વામીત્વ યોજના ડ્રોન અને અદ્યતન સર્વે માધ્યમોની મદદથી ગ્રામીણ વારસાગત જમીનની માપણી કરવામાં મદદ કરશે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં આયોજન, મહેસુલ એકત્રીકરણ સારી રીતે થાય તે સુનિશ્ચિત કરશે અને મિલકતના અધિકારો બાબતે વધુ સ્પષ્ટતા પૂરી પાડશે. આનાથી માલિકો માટે આર્થિક સંસ્થાઓ પાસેથી ધિરાણ લેવા માટે અરજી કરવાની નવી સંભાવનાઓના દ્વાર ખૂલશે. આ યોજના દ્વારા મિલકત સંબંધિત વિવાદોની માલિકીખત દ્વારા પતાવટ કરી શકાશે.સમગ્ર દેશના સરપંચોને સંબોધતી વેળા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ લોકોની કામ કરવાની રીતભાત બદલી દીધી છે અને સારો બોધપાઠ પણ શીખવ્યો છે. તેમણે કહ્યું કે, આ મહામારીએ આપણે હંમેશા આત્મનિર્ભર રહેવાનું શીખવ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ મહામારી આપણી સમક્ષ નવા પડકારો અને સમસ્યાઓ લાવી છે જેની આપણે પહેલાં ક્યારેય કલ્પના પણ નહોતી કરી પરંતુ તેણે આપને એક મજબૂત સંદેશા સાથે ખૂબ સારો બોધપાઠ પણ શીખવ્યો છે. તેણે આપણને હંમેશા આત્મનિર્ભર અને સ્વાવલંબી રહેવાનું શીખવાડ્યું છે. તેણે આપણને શીખવાડ્યું છે કે સમસ્યાના ઉકેલ માટે દેશ બહાર આપણે નજર ન માંડવી જોઇએ. આ આપણા માટે સૌથી મોટો બોધપાઠ છે.”
તેમણે ઉમેર્યું કે, “દરેક ગામે પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં આત્મનિર્ભર રહેવું પડશે. તેવી જ રીતે દરેક જિલ્લાએ પોતાના સ્તરે અને દરેક રાજ્યએ પોતાના સ્તરે આત્મનિર્ભર બનવું પડશે અને સમગ્ર દેશે પણ પોતાના સ્તરે આત્મનિર્ભર બનવાનું છે.” શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકાર ગામડાઓને સ્વાવલંબન આપવા અને ગ્રામ પંચાયતોને વધુ મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી રહી છે.
તેમણે કહ્યું કે, “છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 1.25 લાખ પંચાયતોને બ્રોડબેન્ડના માધ્યમથી જોડવામાં આવી છે જ્યારે અગાઉ તો માંડ 100 પંચાયતો જોડાયેલી હતી. તેવી જ રીતે, સામાન્ય સેવા કેન્દ્રોની સંખ્યા 3 લાખનો આંકડો વટાવી ચુકી છે.”
તેમણે ઉમેર્યું કે, જ્યારથી ભારતમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન શરૂ થયું છે ત્યારેથી સ્માર્ટફો વધુ સસ્તા થઇ ગયા છે અને ઓછી કિંમતના સ્માર્ટફોન દરેક ગામડા સુધી પહોંચી ગયા છે અને આનાથી ગ્રામ્ય સ્તરે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “પંચાયતોની પ્રગતીથી સમગ્ર દેશ અને લોકશાહીનો વિકાસ સુનિશ્ચિત થશે.”
આજનો આ પ્રસંગ પ્રધાનમંત્રી અને ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાની એક તક હતી.
સરપંચો સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીએ સામાજિક અંતર જાળવવા માટે સરળ ભાષામાં ‘બે ગજનું અંતર’ મંત્ર આપવા બદલ ગામડાઓની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું કે, ગ્રામીણ ભારત દ્વારા આપવામાં આવેલા ‘બે ગજનું અંતર’ મંત્રએ ગ્રામ્ય લોકોનું બૌદ્ધિકચાતુર્ય બતાવ્યું છે. તેમણે આ સૂત્રની પ્રશંસા કરતા કહ્યું કે, આ મંત્ર લોકોને સામાજિક અંતર જાળવવા માટે પ્રોત્સાહિત કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, મર્યાદિત સંસાધનો વચ્ચે પણ, ભારતે સક્રીયતાપૂર્વક પડકાર ઝીલ્યો અને નવી ઉર્જા તેમજ નવી રીતોથી આગળ વધવાનો પોતાનો દૃઢ સંકલ્પ બતાવ્યો છે. તેમણે કહ્યું કે, “ગામડાઓની એકજૂથ શક્તિ દેશને આગળ વધવામાં મદદરૂપ થઇ રહી છે.”
તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ પ્રયાસોની વચ્ચે પણ, આપણે યાદ રાખવાનું છે કે, કોઇ એક વ્યક્તિની પણ બેદરકારી આખા ગામને જોખમમાં મૂકી શકે છે આથી રાહતનો કોઇ જ અવકાશ નથી. પ્રધાનમંત્રીએ સરપંચોને ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન માટે કામ કરવાની, ગામમાં વરિષ્ઠ લોકો અને અન્ય લોકોની વિશેષ કાળજી લેવાની તેમજ ક્વૉરેન્ટાઇન, સામાજિક અંતર અને માસ્કથી સૌના ચહેરા ઢંકાય તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.
તેમણે સરપંચોને અપીલ કરી હતી કે, તેઓ કોવિડ-19ના વિવિધ પરિબળો અંગે ગામમાં દરેક પરિવાર સુધી સાચી માહિતી પહોંચાડે. તેમણે ગ્રામીણ લોકોને પણ અપીલ કરી હતી કે, તેઓ આરોગ્ય સેતૂ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને પંચાયતના પ્રતિનિધિઓને કહ્યું હતું કે, તેઓ પોતાની પંચાયતોમાં દરેક વ્યક્તિ આ એપ ડાઉનલોડ કરે તેની ખાતરી કરે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગામડાના ગરીબ લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ગંભીરતાથી પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, આયુષ્યમાન ભારત યોજના ગામડામાં ગરીબ લોકો માટે એક મોટી રાહત પૂરવાર થઇ છે અને અંદાજે 1 કરોડ ગરીબ દર્દીઓએ આ યોજના અંતર્ગત હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મેળવી છે. તેમણે ગ્રામ્ય ઉપજોના બહેતર ભાવો માટે મોટા બજાર સુધી પહોંચવા ઇ-નામ અને GEM પોર્ટલ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની પણ સૌને અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરથી માંડીને કર્ણાટક, બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને આસામ સહિતના વિવિધ રાજ્યોના સરપંચો સાથે વાર્તાલાપ કર્યો હતો.તેમણે ગાંધીજીની સ્વરાજની કલ્પના ગ્રામ સ્વરાજ પર આધારિત હોવાનું યાદ કર્યું હતું. શાસ્ત્રોને ટાંકતા તેમણે યાદ કર્યું હતું કે, તમામ શક્તિનો સ્રોત એકતા છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ નિમિત્તે સરપંચોને શુભેચ્છા પાઠવી હતી અને સહિયારા પ્રયાસો, એકતા અને દૃઢતા સાથે કોરોના સામે લડવા બદલ સૌની પ્રશંસા કરી હતી.