પ્રધાનમંત્રીએ કેવડિયામાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સના સમાપન સમારંભને સંબોધન કર્યું
રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થામાં સ્વદેશી અભિગમને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો
Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કેવડિયા ખાતે સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સના સમાપન સમારંભને સંબોધન કર્યું હતું.
આ સમારંભમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે પ્રધાનમંત્રીને આ વર્ષની કોન્ફરન્સમાં થયેલી ચર્ચાવિચારણા વિશે ટૂંકમાં જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ કોન્ફરન્સના માળખા અને એમાં ચર્ચા કરવા માટે પસંદ કરવામાં આવેલા વિષયો બદલ તેમની પ્રશંસા કરી હતી.
તેમણે ખાસ કરીને ચાલુ વર્ષની કોન્ફરન્સમાં જૂનિયર કમિશન્ડ ઓફિસર્સ અને નોન કમિશન્ડ ઓફિસર્સને સામેલ કરવાની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રીય સંરક્ષણ વ્યવસ્થાનાં સર્વોચ્ચ નાગરિક અને સૈન્ય નેતૃત્વને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ગયા વર્ષે કોવિડ રોગચાળા દરમિયાન અને ઉત્તર ભારતની સરહદો પર પડકારનજક સ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરવા માટે ભારતીય સૈન્ય દળોએ દર્શાવેલી દ્રઢતા બદલ તેમની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થામાં સ્વદેશી અભિગમને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જે માટે તેમણે ઉપકરણ અને શસ્ત્રસામગ્રીની આયાતને ઘટાડવાની સાથે સૈન્ય દળોમાં સિદ્ધાંતો, કામગીરી અને પરંપરામાં પણ સ્વદેશી અભિગમ અપનાવવાનો આગ્રહ કર્યો હતો.
તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના માળખાના ભાગરૂપે સૈન્ય અને નાગરિક એમ બંનેમાં માનવીય સંસાધનનું મહત્તમ અને અસરકારક આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે સર્વાંગી અભિગમ અપનાવવા, નાગરિક-સૈન્યની અગાઉ ચાલી આવતી પરંપરાઓ તોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નિર્ણય લેવાની પ્રક્રયાને ઝડપી બનાવવાની અપીલ પણ કરી હતી.
તેમણે સેનાની ત્રણેય પાંખોને ઉપયોગિતા અને પ્રસ્તુતા ગુમાવી દેનાર કાયદેસર વ્યવસ્થા અને રીતો છોડી દેવાની સલાહ આપી હતી.
ટેકનોલોજી ક્ષેત્રમાં ઝડપથી થઈ રહેલા પરિવર્તનની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ‘ભવિષ્યના સૈન્યદળ’ તરીકે સજ્જ થવા ભારતીય સૈન્યને વિકસાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ભારત આગામી વર્ષે એની આઝાદીનું 75મું વર્ષ ઉજવશે. તેમણે સશસ્ત્ર દળોને આ ઐતિહાસક વર્ષનો ઉપયોગ દેશની યુવા પેઢીને પ્રેરિત કરે એવી વિવિધ પહેલો હાથ ધરવા અને જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા અપીલ કરી હતી.