Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસ થીમ સોન્ગ માટે ગાયક કલાકારોની પ્રશંસા કરી

File

પ્રધાનમંત્રીએ એમના જનતા કર્ફ્યૂ સંદેશના પ્રસાર બદલ પ્રસિદ્ધ વ્યક્તિઓની પ્રશંસા કરી

 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક કલાકાર માલિની અવસ્થી અને પ્રીતમ ભર્તવાનની કોરોનાવાયરસ-થીમ સોન્ગ બદલ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ટ્વીટર પર આ ગીતો શેર કર્યા હતા અને લખ્યું હતું કે,  “જનતા કર્ફ્યૂને લઈને દરેક પોતપોતાની રીતે યોગદાન કરી રહ્યું છે. લોકગાયિકા માલિની અવસ્થીજી પોતાના અંદાજમાં લોકોને પ્રેરિત કરી રહ્યાં છે.. “જનતા કર્ફ્યૂને લઈને લોકગાયક પ્રતીમ ભરતવાણજીએ પણ એક અનોખો અને અત્યંત સુરીલો સંદેશ આપ્યો છે.”

પ્રધાનમંત્રીએ મીડિયા સમુદાયની સાચી માહિતીના પ્રસારની સાથે ઉચિત સાવચેતીઓ રાખવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે આશા અને સકારાત્મકતાના સંદેશને ફેલાવવા માટે પણ મીડિયાની પ્રશંસા કરી હતી. તેમણે એમના જનતા કર્ફ્યૂના સંદેશના પ્રસાર બદલ પ્રસિદ્ધ વ્યક્તિઓની પ્રશંસા કરી હતી. એક પછી એક ટ્વીટ કરીને તેમણે જણાવ્યું હતું કે, “પ્રસિદ્ધ વ્યક્તિઓએ કોરોનાવાયરસ સામે લડવા રવિવારે ઘરે રહેવા માટે પ્રોત્સાહન આપ્યું છે. અને લોકોનો સાથસહકાર જબરદસ્ત મળ્યો છે.”

પ્રધાનમંત્રીએ આજે ‘જનતા કર્ફ્યૂ’નો ભાગ બનવા લોકોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, એનાથી કોવિડ-19 રોગચાળા સામે લડવા ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. આ સમયગાળા દરમિયાન એકબીજાને મળવાનું ટાળવાના (સોશિયલ ડિસ્ટન્સિંગ) મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ લોકોને પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાનું, ટીવી જોવાનું અને સારું ભોજન લેવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે દરેક કોવિડ-19 સામેની આ લડાઈમાં કિંમતી સૈનિક છીએ તથા સતર્ક અને સાવચેત રહીને અન્ય લાખો લોકોને જીવ બચાવી શકીએ. તેમણે કહ્યું હતું કે, શેરીઓ ખાલી છે, પણ કોવિડ-19 સામે લડવાની સંકલ્પ ઊડીને આંખે વળગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.