પ્રધાનમંત્રીએ ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું
ગાંધીનગર, પ્રધાનમંત્રીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન વર્ષ 1999 અને વર્ષ 2008માં થયું હતું. આ કોન્ક્લેવનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે.
દુનિયાભરનાં વૈજ્ઞાનિકો, બટાટાનાં ખેડૂતો અને અન્ય હિતધારકો વૈશ્વિક બટાટા સંમેલનમાં એકમંચ પર આવે છે અને આગામી થોડાં દિવસોમાં ખાદ્ય પદાર્થો અને પોષક દ્રવ્યોની માગ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ પાસાં પર ચર્ચા કરે છે.
આ સંમેલનને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજા સંમેલનની મુખ્ય વાત એ છે કે બટાટા સંમેલન, કૃષિ નિકાસ અને પોટેટ ફિલ્ડ ડે એકસાથે ઉજવવામાં આવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફિલ્ડ ડેનાં દિવસે 6,000 ખેડૂતો ખેતરમાં જાય છે એ પ્રશંસનીય બાબત છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજુ વૈશ્વિક બટાટા સંમેલન ગુજરાતમાં યોજાયુ એ મહત્ત્વપૂર્ણ બાબત છે, કારણ કે ગુજરાત બટાટાનાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં દેશનું ટોચનું રાજ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે છેલ્લાં 11 વર્ષમાં ભારતમાં બટાટાનાં વાવેતર વિસ્તારમાં આશરે 20 ટકાનો વધારો થયો છે, ત્યારે આ જ ગાળામાં ગુજરાતમાં એમાં આશરે 170 ટકાનો વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ માટે મુખ્યત્વે નીતિગત પહેલો અને નિર્ણયો જવાબદાર છે, જે રાજ્યને આ દિશામાં દોરી જાય છે. રાજ્યમાં વાવતેર માટે ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી કૃષિની અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, અહીં કોલ્જ સ્ટોરેજની શ્રેષ્ઠ સુવિધાઓ છે અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે સારું જોડાણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાત રાજ્યમાં મોટી પોટેટો પ્રોસેસિંગ કંપનીઓ ધરાવે છે અને મોટા ભાગનાં બટાટાનાં નિકાસકારો ગુજરાતમાં સ્થિત છે. એના પરિણામે દેશમાં રાજ્ય બટાટાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એમની સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે માટે ઝડપથી પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો અને સરકારી નીતિનો સુભગ સમન્વય થવાથી ભારત દુનિયામાં ઘણી દાળ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનાં ઉત્પાદનમાં ટોચનાં 3 દેશોમાં સ્થાન ધરાવે છે. તેમણે સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને દરેક સ્તરે પ્રોત્સાહન આપવા એમની સરકારે લીધેલા પગલાં વિશે પણ જણાવ્યું હતું, જેમ કે આ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી, મૂલ્ય સંવર્ધનમાં મદદ અને પ્રધાનમંત્રી કિસાન સમ્પદા યોજના દ્વારા વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ.
પ્રધાનમંત્રીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, ચાલુ મહિનાની શરૂઆતમાં એક નવો રેકોર્ડ થયો હતો અને 6 કરોડ ખેડૂતોનાં બેંક ખાતામાં સીધા રૂ. 12,000 કરોડ હસ્તાંતરિત થયા હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, એમની સરકારની પ્રાથમિકતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ અને અન્ય સ્તરો ઘટાડવાની છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કૃષિ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન પણ આપી રહી છે, જેથી સ્માર્ટ અને સચોટ ખેતી માટે ખેડૂતોનો ડેટાબેઝ અને એગ્રિ સ્ટેક્સની જરૂર છે, જેનો ઉપયોગ થઈ શકશે.
પ્રધાનમંત્રીએ વિજ્ઞાનીઓને અદ્યતન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઇન, ડ્રોન ટેકનોલોજી દ્વારા કૃષિમાં વિવિધ સમસ્યાઓનું સમાધાન પૂરું પાડવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાની અને નીતિનિર્માતાઓના સમુદાયની જવાબદારીએ જોવાની છે કે, કોઈ ભૂખ્યું ન રહે કે કોઈ કુપોષિત ન રહે.
પૃષ્ઠભૂમિઃ ત્રીજુ વૈશ્વિક બટાટા સંમેલન એક સામાન્ય મંચ પર તમામ હિતધારકોને એક સાથે આવવાની તક પૂરી પાડશે, જેથી ભવિષ્યની યોજનાઓ અને તમામ સમસ્યાઓ પર ચર્ચા થઈ શકશે, જેમાં બટાટા સાથે સંબંધિત દરેક વ્યક્તિ સામેલ થઈ શકશે. આ વિશિષ્ટ ઇવેન્ટ છે, જેમાં બટાટાનાં સંશોધનમાં જાણકારી અને નવીનતા લાવવા દેશનાં વિવિધ હિતધારકોને જાણકારી મળશે. આ મેગા ઇવેન્ટમાં મુખ્ય ત્રણ ઘટકો છે – (1) બટાટા સંમેલન, (2) કૃષિ નિકાસ અને (3) પોટેટો ફિલ્ડ ડે
આ બટાટા સંમેલન 28 થી 30 જાન્યુઆરી, 2020 દરમિયાન યોજાશે. તેમાં 10 મુખ્ય વિષયો રહેશે અને જે પૈકીના 8 વિષયો વ્યાવહારીક તેમજ પ્રાયોગિક સંશોધન પર આધારિત રહેશે, જ્યારે બાકીના બે વિષયો બટાટાના વેપાર, મૂલ્ય શ્રૃંખલા વ્યવસ્થાપન અને નીતિગત મુદ્દાઓ પર આધારીત રહેશે..
એગ્રી એક્સ્પોનું આયોજન 28 થી 30 જાન્યુઆરી, 2020 દરમિયાન કરાશે જેમાં બટાટા આધારિત ઉદ્યોગો અને વેપાર, પ્રસંસ્કરણ, બિયારણવાળ બટાટાનું ઉત્પાદન, જૈવ પ્રોદ્યૈગિકી, પ્રોદ્યૈગિકી હસ્તાંતરણમાં જાહેર-ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને ખેડૂતો સંબંધિત ઉત્પાદનો વગેરેની સ્થિતિનું નિદર્શન કરવામાં આવશે. 31 જાન્યુઆરી, 2020ના રોજ પોટેટો ફિલ્ડ ડેમાં બટાટાની ખેતી માટે સીધા જ ખેતર પર જઇ તેનું નિદર્શન કરવામાં આવશે. તેમાં બટાટાના યાંત્રિકીકરણ, બટાટાની પ્રજાતિઓ અને આધુનિક તકનીકોનું પ્રદર્શન પણ સામેલ છે.
આ સંમેલનની મુખ્ય બાબતો કે જેમને આવરી લેવામાં આવશે તેમાં વાવેતરની સામગ્રી, પૂરવઠા શ્રૃંખલાની અછત, પાકની લણણી બાદ થતું નુકસાન, વિસ્તૃત પ્રસંસ્કરણની જરૂરિયાત, નિકાસ અને વૈવિધ્યપૂર્ણ ઉપયોગ તેમજ જરૂરી નીતિગત સમર્થન અને પ્રમાણિત બિયારણનો ઉપયોગ તથા લાંબા અંતર સુધી પરિવહન અને નિકાસને પ્રોત્સાહન સામેલ છે.