પ્રધાનમંત્રીએ બિલ એન્ડ મિલિન્ડા ગેસ્ટ ફાઉન્ડેશનના બિલ ગેટ્સ સાથે વાર્તાલાપ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિલ એન્ડ મિલિન્ડા ગેસ્ટ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ શ્રી બિલ ગેટ્સ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારી સામે વૈશ્વિક પ્રતિક્રિયા અંગે ચર્ચા કરી હતી અને આ મહામારીને ખતમ કરવા માટે વૈજ્ઞાનિક નાવીન્યતા તેમજ સંશોધન અને વિકાસમાં વૈશ્વિક સહકારના મહત્વની પણ ચર્ચા કરી હતી. આ સંદર્ભે બંને મહાનુભવોએ જે વિચારો પર ખાસ ધ્યાન આપ્યું હતું
તેમાં, ગ્રામીણ વિસ્તારોમાં છેવાડાની વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓનો લાભ પહોંચાડવા માટે ભારતના અનન્ય મોડલમાંથી પ્રેરણા લેવી, કોવિડથી અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાની ભાળ મેળવવા માટે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી અસરકારક મોબાઇલ એપ્લિકેશનનો પ્રસાર અને તેનાથી આગળ ભારતની વિશાળ ફાર્માસ્યુટિકલ ક્ષમતાનો ઉપયોગ કરીને શોધવામાં આવેલી રસી તેમજ આરોગ્ય ચિકિત્સા સંબંધિત ઉત્પાદન વધારવાનું સામેલ છે.
તેમણે એ વાતે પણ સંમતિ વ્યક્ત કરી હતી કે, વૈશ્વિક પ્રયાસો, ખાસ કરીને સાથી વિકાસશીલ દેશોના લાભની દિશામાં યોગદાન આપવાની ભારતની ઇચ્છા અને ક્ષમતાને ધ્યાનમાં રાખતા આ મહામારીનો સામનો કરવાની સંકલિત પ્રતિક્રિયા માટે હાલમાં ચાલી રહેલા વૈશ્વિક વિચારવિમર્શમાં તેને સામેલ કરવામાં આવે તે ખૂબ મહત્વપૂર્ણ છે.