પ્રધાનમંત્રીએ લોકસભાનાં અધ્યક્ષ તરીકે ઓમ બિરલાની વરણીનું સ્વાગત કર્યું
નવી દિલ્હી, 19-06-2019, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગૃહની ઉચ્ચ પરંપરાઓ અનુસાર સત્તરમી લોકસભાનાં અધ્યક્ષ તરીકે શ્રી ઓમ બિરલાની સર્વસંમતિથી થયેલી વરણીને આવકાર આપ્યો છે. શ્રી ઓમ બિરલાને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ આજે લોકસભામાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગૃહનાં અધ્યક્ષ તરીકે આટલુ વિશિષ્ટ વ્યક્તિત્વ મળવું તમામ સભ્યો માટે ગર્વની બાબત છે.
તેમણે કહ્યું હતું કે, શ્રી ઓમ બિરલા વર્ષોથી જાહેર જીવનમાં છે, એક વિદ્યાર્થી નેતા સ્વરૂપે શરૂઆત કરીને તેઓ સતત સમાજસેવા કરતા રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કોટા (રાજસ્થાન)નાં પરિવર્તન અને સમગ્ર વિકાસમાં શ્રી ઓમ બિરલાએ અદા કરેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ નવા ચૂંટાયેલા અધ્યક્ષ સાથે પોતાના લાંબા ગાળાનાં સંબંધને પણ યાદ કર્યા હતા.
તેમણે શ્રી ઓમ બિરલાની સેવા પ્રત્યે સમર્પણ અને ધરતીકંપ પછી કચ્છનાં પુનર્નિર્માણનાં પ્રયાસો તથા પૂર પછી કેદારનાથ માટે તેમણે આપેલા યોગદાનની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સત્તરમી લોકસભાને એનાં અધ્યક્ષ સ્વરૂપે એક સહૃદય નેતા મળ્યાં છે. પ્રધાનમંત્રીએ અધ્યક્ષને આશ્વાસન આપ્યું હતું કે, તેમને ગૃહની કામગીરીનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. PIB