પ્રધાનમંત્રીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નું આગમન થયું ત્યારે તેમનો ભાવ ભર્યો સત્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીએ કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ સચિવો અને મુલ્કી અધિકારીઓએ પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા. ત્યારબાદ એરપોર્ટથી કમલમ્ સુધીના રોડ શોનો પ્રારંભ થયો હતો.
આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ સરકાર દ્વારા કોરોના પ્રોટોકોલ પ્રમાણે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાજેતરમાં જ યુક્રેનથી હેમખેમ પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ એરપોર્ટની બહાર ઉભા રહીને પ્લેકાર્ડથી વડાપ્રધાનનું અભિવાદન પણ કર્યું હતું.
ત્યારબાદ રોડ શો વખતે વિદ્યાર્થીઓ માટે બનાવાયેલા સ્ટેજ પર ઉભા રહીને તેઓ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. દરમિયાન અનેક વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ અને વડાપ્રધાનના ફોટાવાળા ટી-શર્ટ પહેરીને પણ ઉભેલા જોવા મળ્યા હતા.
જાણવા મળ્યા પ્રમાણે મોદીના અત્યાર સુધીના સૌથી મોટા રોડ શોમાં ચાર લાખથી વધુ લોકો હાજર રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોદીને આવકારવા માટે અલગ-અલગ સમાજ-સંસ્થાઓ, એનજીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. રોડ શો પૂર્ણ કર્યા બાદ મોદીએ કમલમમાં નેતાઓ સાથે બેઠક કરી હતી અને ત્યાંથી સરપંચ સંમેલનમાં પહોંચ્યા હતા જ્યાં દોઢ લાખથી વધુની મેદની એકઠી થવા પામી છે.