Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં કંથારપુર વડનો યાત્રાધામ-પ્રવાસન ધામ તરીકે સર્વગ્રાહી વિકાસ થશે

ગાંધીનગર નજીકના કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટના વિકાસ કામોની નિરીક્ષણ-મુલાકાત લેતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રથમ તબક્કામાં ૬ કરોડ રૂપિયાના કુલ ખર્ચે નિર્માણાધીન લેન્ડ સ્કેપિંગ ધ્યાન-યોગ માટેની જગ્યાઓ- એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયાની કામગીરી નિહાળી માર્ગદર્શન આપ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક દહેગામ તાલુકાના કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટની વિવિધ કામગીરીની જાત-માહિતી મેળવવા કંથારપૂર વડની મુલાકાત લીધી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં આ કંથારપૂર મહાકાળી વડનો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રા-પ્રવાસન ધામ તરીકે અદ્યતન સુવિધા સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ હેતુસર રૂપિયા ૬ કરોડના ખર્ચે પ્રથમ તબક્કાના વિકાસકામોમાં આ સ્થળે નયનરમ્ય લેન્ડ સ્કેપિંગ, ધ્યાનયોગ માટેની જગ્યાઓ, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા તેમજ પાણીનો બોર, ઈલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે સવારે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રાવલ, અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી રામકુમાર, તેમજ ગાંધીનગર કલેક્ટર શ્રી કુલદીપ આર્ય અને અધિકારીઓ સાથે કંથારપુર મહાકાળી વડ પહોંચ્યા હતા. તેમણે નિર્માણાધીન વિવિધ કાર્યોની વિગતો મેળવી હતી તેમજ સાઈટ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો પણ
કર્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો અને ભૂલકાઓ સાથે સ્નેહભાવથી હળ્યા-મળ્યા હતા
શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પરિસરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્રતયા અંદાજે રૂપિયા ૧૪.૯૬ કરોડના ખર્ચે જે કામો તબક્કાવાર રીતે હાથ ધરવાનાં છે, તે નિશ્ચિત સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂરાં થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે કંથારપૂર વડ ૫૦૦ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. તે મિનિ કબીર વડ તરીકે પણ ઓળખાય છે. અહીં વડ નીચે મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. એટલું જ નહીં, અડધા એકરથી વધારે જગ્યામાં પ્રસરેલી આ મહાકાય વડની વડવાઈઓ પણ પ્રકૃતિ-પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આ સ્થળની મુલાકાત લઈ તેને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની નેમ દર્શાવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ નેમને સાકાર કરતા યાત્રાધામ પ્રવાસન વિકાસનાં કામો આ સ્થળે ઝડપભેર ઉપાડવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીશ્રીએ પોતાની મુલાકાત દરમિયાન આ વિકાસકામોની તલસ્પર્શી માહિતી મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.