Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીશ્રી દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ.૨૧૮૦૯.૭૯ કરોડના વિકાસ કામોની ભેટ ધરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે  દાહોદને રૂ.૨૧૮૦૯.૭૯ કરોડના વિકાસ કામોની ભેટ ધરશે

દાહોદનાં ૧૨૫૯.૬૪ કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ:રૂ. ૨૦૫૫૦.૧૫ કરોડનાં વિકાસકાર્યોનો કરાવશે પ્રારંભ

દાહોદ રેલ્વે વર્કશોપમાં અંદાજે રૂ. ૨૦ હજાર કરોડના ખર્ચથી નિર્માણ થનારા ૯ હજાર હોર્સ પાવરની ઇલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શીલાન્યાસ કરશે

આદિજાતિ મહાસંમેલનમાં સહભાગી થનારા નાગરિકોને તમામ સુવિધાઓનો તંત્ર રાખશે ખ્યાલ

વડોદરા, તા.૧૯ એપ્રિલ, ૨૦૨૨ મંગળવાર (વિ. સં. ૨૦૭૮ ચૈત્ર વદ ૩) ગુજરાતની મુલાકાતે પધારેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ  તા. ૨૦ એપ્રિલે દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ.૨૧૮૦૯.૭૯ કરોડના વિકાસ કામોની ભેટ ધરવાના છે.. દાહોદનાં ૧૨૫૯.૬૪ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ  તથા રૂ. ૨૦૫૫૦.૧૫ કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. તેની સાથે વડાપ્રધાનશ્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનને સંબોધન પણ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો વડાપ્રધાનશ્રી સાથે જોડાશે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીને આવકારવા માટે આદિજાતિ બાંધવોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જનકલ્યાણના વિવિધ વિકાસકાર્યોમાં આરોગ્ય, આવાસ, વીજળી, રોજગારી, સલામતી, સ્કીલ ડેવલપમેન્ટ, જળસંચયના કામો, રસ્તાઓ સહિતની પાયાની સુવિધાઓ સાથે દાહોદ સ્માર્ટસીટી તરીકે મહાનગરોમાં જોવા મળતી સુવિધાઓ પણ આદિજાતિ બહુલ વસ્તી ધરાવતા દાહોદ જિલ્લાને મળશે. જેમાં આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટ દાહોદ નગરને સ્માર્ટ સીટી તરીકે એક નવા સ્તરે લઇ જતો અને મહાનગરોમાં પણ ન જોવા મળતી અત્યાદ્યુનિક સુવિધાઓ પ્રદાન કરતો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. રૂ. ૧૫૧.૦૪ કરોડના ખર્ચે સંપન્ન આ પ્રોજેક્ટનું ખરોડ ખાતે યોજાનારા ‘આદિજાતિ મહાસંમેલન’માં  લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી કરશે.

નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાફેશ્વર પાસેથી છેક દાહોદના દક્ષિણમાં આવેલા છેક છેવાડાના ૨૮૫ ગામ અને એક નગર સુધી પહોંચતા કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત, આ યોજનાથી છોટા ઉદેપુરના ૫૮ ગામો અને ૧ નગરને શુદ્ધ પાણી મળ્યું છે. રાજ્ય સરકારના આ મેગા પ્રોજેક્ટ – હાફેશ્વર યોજના થકી  આદીજાતિ બહુલ વસ્તી ધરાવતા કુલ ૩૪૩ ગામો તેમજ બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે. આ યોજનાનું લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી કરશે.

ભારતીય રેલ્વે દ્વારા દાહોદ વર્કશોપમાં ૯ હજાર હોર્સ પાવરની ઇલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શીલાન્યાસ કરશે. મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના જિલ્લાઓ માટે ૭ હજાર નોકરીની તકો ઉભી થશે. તેની લાગત રૂ. ૨૦ હજાર કરોડ છે.

તદ્દઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમ આધારિત યોજના અંદાજે રૂ. ૪૦.૪૨ કરોડને ખર્ચે પૂર્ણ કરાશે. તેમજ પાટાડુંગરી જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૧૨૩.૮૮ કરોડને ખર્ચે સાકાર કરાશે. ઝાલોદ ઉત્તર જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૪૮.૭૦ કરોડને ખર્ચે સંપન્ન કરાશે. જયારે ઝાલોદ દક્ષીણ જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૯૪.૫૫ કરોડને ખર્ચે પૂર્ણ કરાશે. તેનો પ્રધાનમંત્રીશ્રી પ્રારંભ કરાવશે.

દાહોદમાં પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કાર્યક્રમની વ્યવસ્થા માટે સચિવ કક્ષાના અધિકારીશ્રીઓ સહિત ૧૧૫ જેટલા અધિકારીઓ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થા માટે જોડાયા છે. કાર્યક્રમ સ્થળે સહભાગી થનારા નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓનું ઝીણવટભર્યું આયોજન કરાયું છે. નાગરિકોને પાર્કિગથી લઇને કાર્યક્રમ સ્થળે પીવાના પાણીથી લઇને કોઇ પણ હેલ્થ ઇમરજન્સી માટેની પણ તમામ સુવિધાઓ કરાઇ છે.

મહાસંમેલન સ્થળે સુરક્ષા માટે એક આઇજીપીશ્રી, ડીઆઇજીપીશ્રી ૨, એસપીશ્રી ૧૨, ડીવાયએસપીશ્રી ૩૬ તેમજ પીઆઇશ્રી ૧૦૦, પીએસઆઇ ૩૦૦ સહિત ૩૦૦૦ થી પણ વધુ પોલીસનો બંદોબસ્ત કરાયો છે. જેમાં હોમગાર્ડના પણ ૭૦૦ જવાનોને સામેલ કરાશે. તેમજ એનએસજી, એટીએસ સહિત ચેતક કંમાડો યુનિટ સાથે પણ સંકલન સાધીને સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે.

કાર્યક્રમ સ્થળ ૨૦૦ જેટલા સીસીટીવીની બાજ નજરમાં રહેશે. તેમજ આ માટે કમાડં એન્ડ કંટ્રોલ સેન્ટર પણ ઊભું કરાયું છે. ઉપરાંત તમામ રૂટ અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકીગ કરાઇ રહ્યું છે તેમજ પોલીસ બંદોબસ્ત કરાયો છે. ટ્રાફિક નિયમન માટે બફર ઝોન બનાવી ટ્રાફિકની વ્યવસ્થા કરાઇ છે. તેમજ કલર કોડ રખાયો છે.

મહાસંમેલનમાં સહભાગી થનારી જંગી જનમેદનીને અગવડ ન પડે તે માટે જરૂરી તમામ પ્રકારની સવલતો સાથે એશિયાનો સૌથી મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં ૨ લાખ જેટલા લોકોનો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ડોમ સંબંધિત આંકડાઓ તેની વિશાળતાનો ખ્યાલ આપે છે. એક મુખ્ય ડૉમ અને ત્રણ હૉલ્ડીંગ ડૉમથી બનેલા આ ડૉમનું કુલ ક્ષેત્રફળ ૧૭.૯૮ લાખ ચોરસ ફૂટ છે. ૧૪ લાખ ચોરસ ફૂટના મુખ્ય ડૉમમાં ૭ ડૉમની હરોળ છે, જે પૈકી ૫ જર્મન ડૉમ છે. લંબાઈમાં ૬૦૦ મીટર સુધી પથરાયેલા અને ૧૩૨ ફુટ પહોળા આ મેઈન ડૉમની અન્ય ખાસિયત છે કે, આટલો વિશાળ વિસ્તાર હોવા છતાં તેમાં વચ્ચે એક પણ થાંભલો આવતો નથી. ક્ષેત્રફળની રીતે વિશાળ હોવા ઉપરાંત ડૉમમાં ઉપસ્થિત રહેનારા લોકોની સુવિધાઓનો પણ તલસ્પર્શી ખ્યાલ રાખવામાં આવ્યો છે.

ગરમીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની સુયોગ્ય વ્યવસ્થા ડૉમમાં જ ગોઠવવામાં આવી છે. વિશાળ જનમેદની હાજર રહેવાની હોય ત્યારે સલામતી અને તેમાં પણ ફાયરસેફ્ટી સૌથી અગત્યની બાબત હોય છે. આ ડૉમ ફાયર સેફ્ટીના માપદંડ ઉપર પણ ખરો ઉતરે છે. સમગ્ર ડૉમ ફાયરપ્રુફ બનાવવામાં આવ્યો છે.

આ સંમેલનમાં સહભાગી થવા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લાના ગામોમાં સમગ્ર તંત્ર દ્વારા ઘરે-ઘરે જઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૩૬૦થી પણ વધુ ગામોમાં સંમેલનના કાર્યક્રમ કરવામાં આવ્યા છે.

૦૦૦


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.