પ્રધાનમંત્રી અને યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી શ્રી બૉરિસ જ્હૉનસન વચ્ચે ટેલિફોનિક વાતચીત
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં જીત મેળવવા બદલ યુનાઇટેડ કિંગડમ (યુકે)ના પ્રધાનમંત્રી શ્રી બૉરિસ જ્હૉનસનને ટેલિફોન પર અભિનંદન પાઠવ્યા હતાં. પ્રધાનમંત્રીએ શ્રી જ્હૉનસનને સંદેશ આપ્યો હતો કે યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી તરીકે તેમનું ફરીથી ચૂંટાવું એ તેમનામાં અને કન્ઝર્વેટિવ પાર્ટીમાં યુકેના લોકોના વિશ્વાસને દર્શાવે છે.
ભારતના લોકો અને પોતાના વતી શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રી વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત અને યુકે વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. શ્રી બૉરિસ જ્હૉનસને શુભેચ્છાઓ બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. તેમણે ભારત-યુકેનાં સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ શ્રી જ્હૉનસનને વહેલીતકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું અને શ્રી જ્હૉનસને તેમના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.