પ્રધાનમંત્રી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લી હેઇન લૂંગ વચ્ચે ટેલીફોનીક ચર્ચા
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી હેઇન લૂંગ વચ્ચે 23 એપ્રિલ 2020ના રોજ ટેલીફોન પર ચર્ચા થઇ હતી. બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા આરોગ્ય અને આર્થિક પડકારો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે એકબીજાને આ મહામારી સામે લડવા માટે પોત પોતાના દેશમાં અપનાવવામાં આવેલા પગલાં અને તેની આર્થિક તેમજ સામાજિક અસરો અંગે માહિતી માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ સિંગાપોરને તબીબી ઉપકરણો સહિત આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો સતત જળવાઇ રહે તે માટે શક્ય હોય તેવી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. સિંગાપોરમાં વસતા ભારતીય નાગરિકોને સરકાર દ્વારા કરવામાં આવેલી મદદની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી.
બંને નેતાઓ વર્તમાન સંદર્ભમાં ભારત અને સિંગાપોરની વ્યૂહાત્મક ભાગદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. કોવિડ-19ના કારણે હાલમાં અને ભવિષ્યમાં ઉભા થતા તમામ પડકારોનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની બંનેએ સંમતિ દાખવી હતી. આ કટોકટીના સમય દરમિયાન સિંગાપોરમાં તમામ લોકોની તંદુરસ્તી અને સુખાકારી માટે પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી.