પ્રધાનમંત્રી ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે
કોવિડ–19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો તેમના વતનમાં પરત આવ્યા છે. આ કારણે કોવિડ–19નો ચેપ વધુ ફેલાવાના પડકારની સાથે સાથે, વતન પરત આવેલા આવા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ કામદારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના તેમજ આજીવિકાના વિવિધ માધ્યમો ઉપલબ્ધ કરાવવાના પડકારો પણ ઉભા થયા છે.
ભારત સરકારે વિવિધ ક્ષેત્રોને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. દેશમાં પછાત પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં આવા લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશમાં, અંદાજે 30 લાખ વિસ્થાપિત શ્રમિકો દેશના વિવિધ ભાગોમાંથી પરત આવ્યા છે. ઉત્તરપ્રદેશના 31જિલ્લામાં અંદાજે 25,000થી વધુ પરત આવેલા વિસ્થાપિત શ્રમિકો છે. આમાં પાંચ મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 જૂન 2020ને શુક્રવારના રોજ સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.