પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એક કરોડ લાભાર્થીઓ સુધી પહોંચી
નવી દિલ્હી, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સરકારની અગ્રણી યોજના પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાએ (પીએમએમવીવાય) એક કરોડથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચીને એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફાળવવામાં આવેલ કુલ રકમ 4000 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
પીએમએમવીવાય પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) યોજના કે, જે અંતર્ગત સગર્ભા મહિલાઓને તેમની વધતી પોષણની જરૂરિયાતને પહોંચી વળવા માટે અને મજૂરી નુકસાનની આંશિક ભરપાઈ કરવા માટે તેમના બેંક ખાતામાં સીધો જ નાણાકીય લાભ હસ્તાંતરિત કરવામાં આવે છે. આ યોજનાનું અમલીકરણ 01.01.2017ના રોજ કરવામાં આવ્યું હતું. આ ‘યોજના’ અંતર્ગત એવી સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ (પીડબ્લ્યુ અને એલએમ) કે જેઓ આ જરૂરી શરતો પૂરી કરી છે, જેમ કે ગર્ભાવસ્થાની પ્રાથમિક તબક્કામાં નોંધણી, પ્રસુતિની તપાસ અને બાળકના જન્મની નોંધણી તેમજ પરિવારના પ્રથમ બાળક માટે રસીકરણનું પ્રથમ ચક્ર પૂરું કર્યું છે તેમને ત્રણ ભાગમાં 5000 રૂપિયાની આર્થિક લાભની ચૂકવણી કરવામાં આવે છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ જનની સુરક્ષા યોજના (જેએસવાય) અંતર્ગત રોકડ પુરસ્કાર પણ મેળવે છે. આમ, એક મહિલાને સરેરાશ 6000 રૂપિયા મળે છે.
મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, દાદરા અને નગર હવેલી તથા રાજસ્થાન આ યોજનાનું અમલીકરણ કરનારા ટોચના પાંચ રાજ્યો છે. ઓડિશા અને તેલંગાણામાં હજુ આ યોજના શરુ થવાની બાકી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે હમણાં તાજેતરમાં જ આ યોજનાના ઝડપી અમલીકરણ માટે એક માળખાગત આયોજન તૈયાર કરવા માટે ગુવાહાટી, જયપુર અને ચંડીગઢમાં રાજ્યના અધિકારીઓ સાથે એક પ્રાદેશિક કાર્યશાળાનું આયોજન કર્યું હતું.
આ યોજનાના અમલીકરણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમએમવીવાય-સીએએસ નામની એક વેબ આધારિત સોફ્ટવેર એપ્લીકેશનના માધ્યમથી ઝીણવટથી નજર રાખવામાં આવી રહી છે. વિશેષ લાભાર્થીઓની ઓળખ કરવા અને તેમના બેંક ખાતાઓ માટે આ એપ્લીકેશનનું આંતરિક સંચાલન યુઆઇડીએઆઈ અને પબ્લિક ફાયનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (પીએફએમએસ) દ્વારા કરવામાં આવે છે.
આ યોજના 100 ટકા સ્થાનિક સરકારની ડિરેક્ટરી (એલજીડી)ને અનુકૂળ છે અને સમગ્ર દેશમાં એક સામાન્ય મંચ પીએમએમવીવાય-સીએએસ પર તમામ ગામડાઓ/નગરો/શહેરોની એકસમાન માસ્ટર માહિતી ઉપલબ્ધ છે. આ વિશેષતાઓ વડે આ યોજનાને ઝડપથી લાગુ કરવામાં અને લાભોની નકલ થતી અટકાવવામાં મદદ મળી રહી છે.