Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી મોદી ફરીવખત ગુજરાત આવે તેવી શક્યતા

ગાંધીનગર, ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા જઇ રહી છે. આ વચ્ચે સૂત્રો તરફથી એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે વડાપ્રધાન મોદી ડિસેમ્બર બાદ ફરી જાન્યુઆરી માસમાં ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા આંદોલનના પરિણામે ભારતીય જનતા પાર્ટીને માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા. આ જ પરિણામોના કારણે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રકાસ બાદ વર્ષે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ છેલ્લા બે દશકાથી પ્રદેશમાં રાજ કરતી ભારતીય જનતા પાર્ટી ૯૯ બેઠક પર આવીને અટકી ગઈ હતી.

વર્ષે ૨૦૨૨ની વિધાનસભાની પૂર્વે તૈયારીના ભાગરૂપે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તમામ બેઠકો પર જીત મેળવાનો પ્લાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ઘડી દીધો છે. હવે વડાપ્રધાન પણ આવતા મહિને ફરી ગુજરાત પ્રવાસ પર આવી ભાજપની પરંપરાગત વૉટબેંક એવા પાટીદાર સમાજની સંસ્થા ‘સરદાર ધામ’ના નવ નિર્મિત બિલ્ડિંગનું ઉદ્‌ઘાટન કરવાના છે. સરદાર ધામ દ્વારા આગામી જાન્યુઆરી માસના બીજા સપ્તાહનો સમય માંગવામાં આવ્યો છે. આ જ રીતે રાજકોટ શહેરને એમ્સ તો આપી દીધી છે પરંતુ તેનું ભૂમિપૂજન હજુ સુધી નથી થયું.

આથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકોટ એમ્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ રીતે પીએમ મોદીનો પ્રવાસ કચ્છ-સૌરાષ્ટ્રના ૮ જિલ્લા અને ઉત્તર ગુજરાતના ૮ જિલ્લાને અસર કરવાનો છે. જેના પરિણામે વર્ષે ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં કાૅંગ્રેસ મજબૂત થઈ હતી તે નબળી થશે અને ભારતીય જનતા પાર્ટીને તેનો સીધો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી માસના ગુજરાત પ્રવાસ દરમિયાન સરદાર ધામ અને એમ્સ ઉપરાંત અન્ય વિકાસલક્ષી પ્રોજેકટનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવાના છે. આ તમામનો સીધો ફાયદો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.