પ્રધાન સત્યેન્દ્ર જૈનની હાલત નાજુક, ઓક્સિજન સપોર્ટ પર
નવી દિલ્હી, દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી ગઈ છે અને હાલ તેમની સારવાર દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચાલી રહી છે. સૂત્રોના કહેવા અનુસાર તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, કેમ કે નિમોનિયા તાવની અસર વધી ગઈ છે.
એક તરફ સત્યેન્દ્ર જૈનને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વાત ચાલી રહી છે. જ્યારે રાજીવ ગાંધી હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે આ સમયે સત્યેન્દ્ર જૈનની હાલત સ્થિર છે. હોસ્પિટલથી અન્ય જગ્યાએ સારવાર માટે લઈ જવાનો કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, સત્યેન્દ્ર જૈનના ફેંફસામાં નિમોનિયાની અસર વધી ગઈ છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને જ્યારે સત્યેન્દ્ર જૈનની તબિયત અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સીટી સ્કેન રિપોર્ટ દેખાડે છે કે તેમને ફેંફસામાં નિમોનિયાનો પેચ વધી ગયો છે. આજે ખૂબ થાક અને શ્વાસ લેવામાં તકલીફ હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સત્યેન્દ્ર જૈન જલદી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના વાયરસનો રિપોર્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો.