પ્રભાસે ખરીદી ૬ કરોડની કિંમતની લેમ્બોર્ગિની
પ્રભાસના ફેન પેજે વીડિયો શેર કર્યા છે, જેમાં નવી કાર હૈદરાબાદના રસ્તા પર પૂર ઝડપે દોડતી જાેવા મળી રહી છે
મુંબઈ, પ્રભાસ ભલે મોટાભાગે સાઉથની ફિલ્મોમાં જાેવા મળતો હોય પરંતુ બોલિવુડમાં પણ તેના ફેન્સની કોઈ કમી નથી. દેશની સાથે-સાથે વિદેશમાં પણ લોકો તેની એક ઝલક મેળવવા માટે તલપાપડ થતાં હોય છે. હાલમાં, એક્ટરે તેના ફેન્સને સરપ્રાઈઝ આપી છે. વાત એમ છે કે, પ્રભાસે તેના વધુ એક સપનાને સાકાર કર્યું છે.
પ્રભાસના લક્ઝરી ગાડીઓના કાફલામાં તેની ડ્રીમ કાર લેમ્બોર્ગિની એવેંટાડોર એસ રોડસ્ટર સામેલ થઈ છે. પ્રભાસના ફેન પેજે કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં નવી નક્કોર કાર હૈદરાબાદના રસ્તા પર પૂર ઝડપે દોડતી જાેવા મળી રહી છે. પ્રભાસની આ નવી કારની કિંમત ૬ કરોડ રૂપિયા છે.
પ્રભાસ લક્ઝરી કારનો શોખીન છે. તેની આ નવી કારની એક્સ-શો રૂમ કિંમત ૫.૭૯ કરોડ રૂપિયા છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યા છે, તેમાંથી એકમાં પ્રભાસ તેની ડ્રીમ કાર પરથી કવર હટાવી રહ્યો છે, જ્યારે બીજીમાં તે હૈદરાબાદના રસ્તા પર કાર હંકારતો દેખાઈ રહ્યો છે. પ્રભાસે ઓરેન્જ કલરની લેમ્બોર્ગિની એવેંટાડોર એસ રોડસ્ટર ખરીદી છે. સૌથી ખાસ વાત એ છે કે એક્ટરે આ કાર તેના પિતા સૂર્ય નારાયણ રાજૂની જન્મતિથિ પર ખરીદી છે.
પ્રભાસની લક્ઝરી કારના કાફલામાં ૧.૨૫ કરોડ રૂપિયાની જગુઆર એક્સઝે સિવાય ૮ કરોડની રોલ્સ રોયસ ફેન્ટમ, ૫૦ લાખની બીએમડબલ્યૂ એક્સ-૩, ૪ કરોડની રેન્જ રોવર અને ૩૦ લાખની સેડાન કાર સ્કોડા સુપર્બ પણ સામેલ છે. પ્રભાસ લાંબા સમયથી સ્પોર્ટ્સ કાર ખરીદવાનું સપનું જાેઈ રહ્યો હતો. તેવામાં તેણે તેના ડ્રીમ લિસ્ટમાં સામેલ કારને ખરીદી લીધી છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, પ્રભાસ હાલ તેની ફિલ્મ રાધે શ્યામને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરુ થઈ ચૂક્યું છે. જેમા તેની ઓપોઝિટમાં પૂજા હેગડે છે.
આ સિવાય તે આદિપુરુષ અને સલારના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. આદિપુરુષમાં પ્રભાસની સાથે સૈફ અલી ખાન, ક્રીતિ સેનન અને સની સિંહ પણ છે. સૈફ આ ફિલ્મમાં લંકેશના રૂપમાં નેગેટિવ રોલમાં જાેવા મળશે. જ્યારે પ્રભાસ રામ, ક્રીતિ સીતા અને સની સિંહ લક્ષ્મણના પાત્રમાં હશે.