પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિઓનું વિસર્જન થયું
અમદાવાદ : બીએપીએસના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું આજે ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોકત વિધિ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ સંતો અને ભકતોમાં પ્રમુખ સ્વામી બાપાની યાદો તાજી થઇ આવી હતી. ખાસ કરીને હરિભકતોની આંખોમાં ઝળહળિયા આવી ગયા હતા.
બીએપીએસના વડા મહંતસ્વામીએ ધાર્મિક વિધિ સાથે અસ્થિનું વિસર્જન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત ૧૩ ઓગષ્ટ, ૨૦૧૬ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર નિવાસ પામ્યા હતા. ગઢડામાં આવેલી ઘેલો નદીમાં પુરષોતમ ઘાટમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું. હતું. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢડા ઘેલો નદીમાં સ્નાન કરતા હતાં.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેલો નદીને ઉન્મત્ત ગંગાનું સ્થાન અપાયું છે. આ ઉપરાંત હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર મચ્યો છે જેને લઈને વિશ્વમાંથી કોરોના વાઈરસ સમી જાય તે માટે મહંતસ્વામી દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યાં હાજર હરિભક્તોએ અસ્થિ વિસર્જનના દર્શનનો લાભ લીધો હતો અને પ્રમુખસ્વામી બાપાને કોટિ કોટિ વંદન કરી તેમના આશીર્વાદ મેળવતા નજરે પડતા હતા.