પ્રયાગરાજના ઇફકો પ્લાન્ટમાં ગૅસ ગળતરઃ બેનાં મોત
ફૂલપુર, પ્રયાગરાજના ફૂલપુર ઇફકો પ્લાન્ટમાં મંગળવારે રાત્રે ગંભીર દુર્ઘટના બની ગઇ. પ્લાન્ટમાંથી એમોનિયા ગૅસનું ગળતર થતાં બે વ્યક્તિનાં મરણ થયાં હતાં અને બીજા પંદર સત્તર જણની તબિયત બગડી હતી. પ્લાન્ટના પી વન યુનિટમાંથી એમેાનિયાનું ગળતર થયું હતુંય
આ પ્લાન્ટમાં યુરિયાનું ઉત્પાદન થતું હતું. ગૅસ ગળતરથી બે અધિકારી બી પી સિંઘ અને અભયનંદનનું મરણ થયું હતું. બીજા પંદર સત્તર જણની તબિયત બગડતાં સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગૅસ ગળતર થતાં જ બી પી સિંઘ એ રોકવા તરત દોડી ગયા હતા પરંતુ ત્યાં ને ત્યાં ઢળી પડયા હતા. બી પી સિંઘને બચાવવા દોડેલા અભયનંદન પણ ત્યાં ઢળી પડ્યા હતા.
હાજર રહેલા કર્મચારીઓએ આ બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. દરમિયાન ગળતર વધી જતાં ત્યાં હાજર રહેલા પંદર કર્મચારી બેહોશ થઇને પડી ગયા હતા. એટલામાં એક્સપર્ટ દોડી આવતાં તેમણે ગેસ ગળતરને અટકાવ્યું હતું. ઇફકોના ગેસ ગળતરની જાણ થતાં દોડી આવેલા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ગંગાપાર ધવલ જાયસ્વાલ, જિલ્લા મેજિસ્ટ્રેટ યુવરાજ સિંઘ અને ઇફકોના યુનિટ હેડ મુહમ્મદ મસૂદ સહિત કેટલાક લોકો રાહત કાર્યમાં જોડાયા હતા.