પ્રયાગરાજના નૈનીમાં લગ્નના પાંચ જ મહિનામાં યુગલનો આપઘાત
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના નૈનીમાં હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં એક યુવાન દંપતીએ આપઘાત કરી લીધો છે. ઘરના રૂમમાંથી બંનેનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે રૂમનો દરવાજાે તોડીને મૃતદેહને નીચે ઉતાર્યાં હતા અને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અહીં ૨૮ વર્ષીય શિવમ ઉર્ફે અભિષેક કેસરવાની અને તેની ૨૫ વર્ષીય પત્ની નેહાનો મૃતદેહ ફાંસીએ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બંનેના લગ્ન પાંચ મહિના પહેલા જ થયા હતા. એટલું જ નહીં, એવા પણ સમાચાર મળ્યા છે કે પોસ્ટ મોર્ટમ બાદ જ્યારે બંનેના મૃતદેહ ઘરે આવ્યા ત્યારે બંને પરિવારના સભ્યો વચ્ચે મારામારી પણ થઈ હતી. બંનેએ શા માટે આપઘાત કર્યો છે તે કારણ જાણવા મળ્યું નથી.
ડાંડી બજાર નિવાસી શંકરલાલ કેસરવાનીના બે પુત્રમાંથી શિવમ ઘરની નજીક જ કપડાંની દુકાન ધરાવતો હતો. આઠમી ડિસેમ્બરના રોજ શિવમના લગ્ન શ્યામલાલની પુત્રી નેહા સાથે થયા હતા. બે માળના મકાનમાં શિવમ અને નેહા ઉપરના માળે રહેતા હતા. પરિવારનું કહેવું છે કે નેહા દરરોજ છ વાગ્યાની આસપાસ જાગી જતી હતી. મંગળવારે નેહા મોડે સુધી નીચે ઉતરી ન હતી અને ઘરનો દરવાજાે પણ ખોલ્યો ન હતો.
જે બાદમાં બારીમાંથી જાેયું તો બંને ફાંસીએ લટકી રહ્યા હતા. જે બાદમાં પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. નેહાના પિયરના લોકો પણ આવી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘરનો દરવાજાે તોડ્યો હતો. બંનેને તાત્કલિક હૉસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ બંનેનું પ્રાણ પંખેરી ઊડી ગયું હતું. જે બાદમાં પોલીસે બંને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક તપાસમાં બંનેએ શા માટે આપઘાત કર્યો છે તે જાણી શકાયું નથી. પરિવારના લોકોનું કહેવું છે કે સોમવારે તમામ લોકો મોડે સુધી જાગ્યા હતા. નેહા અને શિવમનું વર્તન પણ બરાબર હતું. નેહાએ તેના પરિવારના લોકો સાથે વાતચીત પણ કરી હતી. પોલીસનું પણ કહેવું છે કે નેહાના પરિવારના લોકોએ પણ કોઈ આક્ષેપ નથી લગાવ્યો. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
તપાસ બાદ જ આપઘાતનું કારણ સામે આવશે. જાેકે, જ્યારે બંનેના પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ ઘરે આવ્યા ત્યારે યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી. આ સમયે પોલીસ હાજર હોવાથી બંને પક્ષના લોકોને શાંત પાડ્યા હતા. જે બાદમાં બંનેના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
મૃતક નેહાએ રાત્રે જ પોતાનું ફેસબુક સ્ટેટસ અપડેટ કર્યું હતું. પરિવારના કહેવા પ્રમાણે બંને કોઈ વાતને લઈને પરેશાન હોઈ શકે છે. પરંતુ બધા લોકો સાથે બંનેનું વર્તન એકદમ સામાન્ય હતું. નેહાના પણ શિવમના પરિવાર સામે કોઈ ફરિયાદ ન હતી. આથી શક્ય છે કે પતિ અને પત્ની વચ્ચે જ કોઈ બાબતે ઝઘડો થયો હશે અને બંનેએ આપઘાત કરી લીધો હોય. શિવમના ઘરની આસપાસના લોકોનું કહેવું છે કે શિવમને કોઈ ખોટી સંગત ન હતી. તે પોતાના કામથી કામ રાખતો હતો. પ્રથમ દ્રષ્ટિએ તમામ વસ્તુ બરાબર લાગતી હોવા છતાં દંપતીએ આપઘાત કરી લેતા આસપાસના લોકો અચંબામાં મૂકાયા છે.