પ્રયાગરાજમાં ગૌ તસ્કરી કરનાર ગેંગસ્ટરની કરોડોની સંપત્તિ જપ્ત
લખનૌ, યોગી સરકાર જ્યારથી યુપીમાં ફરી વાર સત્તામાં આવી છે ત્યારથી ગુનેગારો પર તવાઇ બોલાવી દીધી છે. સતત માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે હવે સંગમ શહેર પ્રયાગરાજમાં સમાજવાદી પાટીની ટિકિટ પર નૈની જેલમાં રહીને બ્લોક ચીફની ચૂંટણી જીતનાર ગૌ તસ્કરી કરનાર ગેંગસ્ટર મુઝફ્ફર પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગેંગસ્ટર મુઝફ્ફરની લગભગ પાંચથી છ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે.
પ્રયાગરાજના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અજય કુમારે જણાવ્યું કે, મુઝફ્ફર પુરામુફ્તી પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર ગુનેગાર છે. તેની સામે નવાબગંજ, કૌશામ્બી, ખાગા ફતેહપુર, પુરમુફ્તીમાં ગાયની તસ્કરી જેવાં ગંભીર આરોપોમાં વધારે કેસ નોંધાયેલા છે.
તેના કાળા કારનામા તેની હિસ્ટ્રી શીટ નંબર ૧૫મ્ પર નોંધાયેલા છે. તેને ગૌહત્યા જેવાં ગુનાઓ દ્વારા કરોડોનું કાળું નાણું એકત્ર કર્યું છે.
સરકારના આદેશ અનુસાર, ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધ્યા બાદ કલમ ૧૪ (૧) અંતર્ગત ૦૫ ગેરકાયદેસર રીતે હાંસલ કરેલા પ્લોટ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાજે પાંચથી છ કરોડની મિલકત પણ જપ્ત કરવામાં આવી છે.
એસએસપીએ કહ્યું કે, મુઝફ્ફરની અન્ય સંપત્તિની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેને શોધીને તેના વિશે વધુ તપાસ હાથ ધરાશે. આ સાથે જ તેઓએ કહ્યું કે, જે કોઈ પણ ગુનાહિત માફિયાઓ છે તેની સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે.
ગુનેગારો અને માફિયાઓને આશ્રય આપનાર અને તેની સાથે સંબંધ રાખનાર વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, ગાયની તસ્કરી કેસમાં ૭ જુલાઈના રોજ મુઝફ્ફર સહિત ૧૧ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
ત્યારથી તે નૈની જેલમાં નજરકેદ છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના પર પોલીસે કાર્યવાહી કરતી વખતે તેના પાંચ પ્લોટ પણ જપ્ત કર્યા છે કે જેમાંથી ચાર પ્લોટમાં મકાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.HS