પ્રહલાદનગરની રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવાત નિકળી
ગ્રાહકે અમ્યુકોના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી
અમદાવાદ, શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં મહેસાણાનો એક પરિવાર જમવાની મિજબાની માણવા ગયો ત્યારે તેમના ખાવામાંથી જીવાત નીકળતાં ફરી એકવાર ઓનેસ્ટ રેસ્ટોરન્ટ બહુ મોટા વિવાદમાં ફસાઇ છે. માત્ર પંદર દિવસના ગાળામાં ઓનેસ્ટ રેસ્ટોરન્ટ તેની ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી વંદો કે જીવાત નીકળવાને લઇ ભારે વિવાદમાં ફસાઇ છે.
જેને ઓનેસ્ટ રેસ્ટોરન્ટની ખાવાપીવાની કવોલિટી અને સેવા સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ઉંચા અને તગડા પૈસા વસૂલવા છતાં લોકોને બિનઆરોગ્યપ્રદ ખાવા પીવાનું પીરસવાના મામલે હવે ઓનેસ્ટના ગ્રાહકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે. હજુ બે દિવસ પહેલાં જ એનસીપીના નેતા રેશ્મા પટેલ રાધનપુરમાં હોનેસ્ટ રેસ્ટોરન્ટમાં જમવા બેઠા ત્યારે તેમની ઢોંસાની પ્લેટમાંથી જીવડું નીકળતાં તેઓ ચોંકી ઉઠયા હતા. તેમને હોટલના મેનેજર અને સ્ટાફને બોલાવી આટલી ગંભીર બેદરકારી અને ચૂક બતાવી હતી અને ઠપકો આપ્યો હતો.
સાથે સાથે રેશમા પટેલે આ સમગ્ર મામલે મીડિયા સમક્ષ પણ પોતાની પ્રતિક્રિયા આપી સ્થાનિક સત્તાવાળાઓને નાગિરકોને બિનઆરોગ્યપ્રદ જમવાનું પીરસતી આવી રેસ્ટોરન્ટ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી હતી. તો, દસેક દિવસ પહેલાં મણિનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયેલા એક પરિવારે ઢોંસાનો ઓર્ડર આપ્યો હતો.
જે ઢોંસો બનીને આવ્યા બાદ તેને ચમચી વડે ખાવા જતાં ચમચીમાં વંદો આવ્યો હતો. આ જોઇ ગ્રાહક હેબતાઇ ગયો હતો. તેણે તત્કાલ રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરી હતી. ભારે વિવાદ અને હોબાળા બાદ અમ્યુકો તંત્રના આરોગ્ય વિભાગની ટીમને જાણ થતાં તેણે તાત્કાલિક સ્થળ પર આવી રેસ્ટોરન્ટ સીલ કરવાની તજવીજ હાથ ધરી હતી.