પ્રાંતિજ ખાતે વોર્ડ નં.૫ ની સમસ્યાઓ પ્રત્યે પાલિકાની ઉપેક્ષાથી રહીશોમાં રોષની લાગણી
પ્રાંતિજ: ગાંધી જયંતિએ સ્વચ્છ અને સ્વસ્થ નગરની હાકલ કરનાર પાલિકાના પ્રમુખ વોર્ડ -૫ ના વણઉકલ્યા પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપે તેવી લોકલાગણી વ્યાપક બની છે. પ્રાંતિજ નગરના વોર્ડ નંબર -૫ માં મોટાભાગે લઘુમતી સમાજની વસ્તી છે.જ્યાના લોક પ્રશ્નો એવા રસ્તાના કામો, સફાઈના કામો, ગટરોના ઢાંકણાના પ્રશ્નો તેમજ જાહેર માર્ગો પર ગટરના ઉભરાતાં ગંદા પાણી , મદીના સ્ટ્રીટ પાછળ દેવીપૂજક સમાજના ઘરો સામે કચરાના ઢગ .જ્યાં-ત્યાં રેલાતા ગંદા પાણીથી થતાં ગંદકી અને કાદવ- કીચડ તેમજ જંતુનાશક દવાના છંટકાવ સહિતના કોઈ જ કામો નહીં થતા હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે. આ સમસ્યાઓનો ઉકેલ ના આવતા આ વિસ્તારના રહીશો પરેશાની ભોગવી રહ્યા છે.
થોડાક સમય પહેલા જ વોર્ડ નંબર -૫ ના વિવિધ લોકહિતના કામો સંદર્ભે પ્રાંતિજ નગરપાલિકાના સત્તાવાળાઓ અને અધિકારીઓને લેખિત જાણ કરાઈ હતી . જેના પગલે પાલિકાના ઈજનેરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.તેમ છતાં કોઈ જ કામનો નિકાલ આવ્યો નથી.વોર્ડની પ્રજાના લોકહિતના પ્રશ્નોના ઉકેલ માટે કોર્પોરેટર મોહસીન છાલોટીયાએ પુનઃ નગરપાલિકાના સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરી છે .
ઉપરાંત ગાંધીનગર ખાતે પણ લોકલાગણી પહોંચાડવામાં આવી છે.પાલિકાના નવ નિયુક્ત પ્રમુખ પ્રજાની સુવિધાના કામોને પ્રાથમિકતા આપે તેમ જાગૃતજનો ઈચ્છી રહ્યા છે. ત્યારે હજુ પણ પાલિકાના સત્તાવાળાઓ નહીં જાગે તો ના છૂટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે .