પ્રાઈવેટ સ્કૂલોનો ૨૫ ટકા ફી ઘટાડવાનો સ્પષ્ટપણે ઇનકાર
અમદાવાદ: ગુરુવારે પ્રાઈવેટ સ્કૂલ ફેડરેશને ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ તમામ સ્કૂલોમાં ફ્લેટ ૨૫ ટકા ફી ઘટાડાનો પ્લાન તેમને મંજૂર નથી. તેમજ સાથે જણાવ્યું કે કોવિડ-૧૯થી જે બાળકોના વાલીઓની આવક પર અસર પડી છે તેમના માટે તેમની પાસે અલગથી યોજનાઓ છે. ગુજરાત સરકાર દ્વારા ફી ઘટાડવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટની દરમિયાનગીરી માટે દાખલ કરવામાં આવેલ અરજીના જવાબમાં પ્રાઈવેટ સ્કૂલના ફેડરેશન દ્વારા કોર્ટમાં આ જવાબ આપવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારે કોર્ટે જણાવ્યું હતું કે પ્રાઈવેટ સ્કૂલ્સ સાથેની તેમની ચર્ચા બે વાર નિષ્ફળ રહી છે કારણ કે સ્કૂલ તેમની ફી ૨૫ ટકા ઘટાડવા તૈયાર નથી. જેના જવાબમાં પ્રાઇવેટ સ્કૂલના ફેડરેશન દ્વારા કહેવામાં આવ્યું કે તેમણે પહેલાથી જ ફી ઘટાડને સ્વિકારી લીધો છે જેના માટે જ આ વર્ષે મહામારીને જોતા ફી વધારવામાં આવી નથી અને ગત વર્ષના ફી સ્ટ્રક્ચરને જ અમલમાં રાખવામાં આવ્યું આવ્યું છે. મહત્વનું છે કે ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ફીના વધારાને મંજૂરી આપવામાં આવી છે તેમ છતા સ્કૂલે આ વધારો માફ કર્યો છે.
જ્યારે બીજી તરફ મેડિકલ અને ડેન્ટલ કોલેજે ફીમાં ઘટાડો નથી કર્યો અથવા તો વસૂલવાનું પણ ચાલું જ રાખ્યો છે. જ્યારે આજની તારીખ સુધી આ કોલેજોમાં અભ્યાસ શરું થયો નથી. તેની જગ્યાએ પ્રાઈવેટ સ્કૂલો તો લોકડાઉનના પહેલા દિવસથી જ ભણાવી રહી છે. સ્કૂલોએ કહ્યું કે તેમને પોતાની કેસ ટુ કેસ બેઝિસ આધારીત યોજના પર જ આગળ વધવા દેવામાં આવે જેથી કોવિડ મહામારી વચ્ચે જરુરિયાતમંદ વાલીઓને ૧૦થી ૧૦૦ ટકા જેટલી રાહત મળી શકે છે.
જ્યારે સરકારની ફ્લેટ ૨૫ ટકા ઘટાડાની યોજનાથી એવા વાલીઓને પણ લાભ મળશે જેમને આવી રાહતની ખરેખર કોઈ જરુરિયાત નથી. વધારમાં સમગ્ર રાજ્યની ૯૦ ટકા જેટલી સ્કૂલોમાં પ્રતિવર્ષની ફી રુ. ૧૫૦૦૦ જેટલી હોય છે. તેવામાં ફ્લેટ ૨૫ ટકા ફી ઘટાડાથી સ્કૂલોની આર્થિક સ્થિતિ પર મોટી અસર પડશે. આ સાથે જ સ્કૂલોએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિવાદિત જીઆર કે જ્યાં સુધી સ્કૂલો બંધ છે ત્યાં સુધી ફી ઉઘરાવી શકાય નહીં તેના પગલે ખૂબ જ ઓછી ફી આવક થઈ છે. તેમજ સ્કૂલ પ્રી પ્રાઈમરી સ્તરે ખુલી જ નથી જેથી આ વર્ષે એડમિશન પણ ન થયા હોવાથી સ્કૂલોને પણ આર્થિક ફટકો પડ્યો છે. આ મામલે કોર્ટ શુક્રવારે વધુ સુનાવણી કરશે.