પ્રાઈવેટ સ્કૂલ સંચાલકો ફી ઘટાડવા માટે તૈયાર જ નથી
અમદાવાદ: પ્રાઈવેટ સ્કૂલોના સંચાલકો તથા રાજ્ય સરકાર વચ્ચે ફી ઘટાડવા માટે થયેલી બે બેઠકો અનિર્ણાયક રહી હતી. સ્કૂલો જ્યાં સુધી બંધ રહે છે ત્યાં સુધી ૨૫ ટકા ફી ઘટાડવા માટે સંચાલકો રાજી ન થતા રાજ્ય સરકાર હવે હાઈકોર્ટમાં પહોંચી છે. સરકારે આ મુદ્દે હાઈકોર્ટ પાસેથી સૂચનો માગ્યા છે.
જણાવી દઈએ કે આ પહેલા રાજ્ય સરકારે સ્કૂલો બંધ રહે ત્યાં સુધી પ્રાઈવેટ સ્કૂલો ફી ન વસૂલી શકે તેવો આદેશ જાહેર કર્યો હતો, જોકે ૩૧મી જુલાઈએ હાઈકોર્ટે સરકારના આ આદેશને રદ કર્યો હતો. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે સ્કૂલના સંચાલકો સાથે વાતચીત કરીને સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. સરકાર ડાયરેક્ટ ૨૫ ટકા ફી ઘટાડાનું સૂચન કરી રહી છે,
જ્યારે પ્રાઈવેટ સ્કૂલો પેરેન્ટ્સની આર્થિક સ્થિતિને જોતા કેસ-ટુ-કેસ બેઝ પર ફી ઘટાડવા પર ભાર મૂકી રહી છે. પ્રાઈવેટ સ્કૂલ એસોસિયેશનનું કહેવું છે કે, તેઓ કોવિડ-૧૯ની મહામારીના કારણે આર્થિકતંગી અનુભવતા પેરેન્ટ્સ માટે કેસ-ટુ-કેસ બેઝ પર ૧૦થી ૧૦૦ ટકા સુધી ફી ઘટાડવા માટે તૈયાર છે.
જ્યારે સ્ટેબલ સ્થિતિમાં રહેલા પેરેન્ટ્સ માટે ફીમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, પ્રાઈવેટ સ્કૂલો ફી ઘટાડવાનો રાજ્ય સરકારનો પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર નથી. આ સાથે ‘ખૂલ્લા મગજ અને ખુલ્લા મને’ કરેલી બે મિટિંગના રાઉન્ડ નિષ્ફળ રહ્યા છે. રાજ્ય સરકારે તેવી પણ ફરિયાદ કરી છે કે પ્રાઈવેટ સ્કૂલો અન્ય ફી ઘટાડવા પણ તૈયાર નથી.